ભુજ / ગાંધીધામ, તા. 6 : ભુજ તાલુકાના
કનૈયાબે પાસેની કંપનીના પ્લાન્ટમાં કામ દરમ્યાન સીડી પરથી આકસ્મિક રીતે પડી જઝતાં મૂળ
ઉત્તરપ્રદેશના 27 વર્ષીય શ્રમિક ગોપાલ રૂપેન્દ્ર
જારવની ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. જયારે આજ રીતે લેર સીમની કંપનીમાં પતરાના મરંમત
કામ દરમ્યાન 29 વર્ષીય યુવાન અલ્પેશ અજયભાઈ
ભીલ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાના પગલે મોતને ભેટયો હતો.
આ ઉપરાંત કાલીતળાવમાં 30 વર્ષીય યુવાન ડાંગર મુકેશભાઈ રાઘુભાઈ દવા પી લેતા તેનું સારવાર
દરમ્યાન મોત નીપજ્યું હતું તેમજ અંજાર તાલુકાના સાપેડામાં રહેનાર જિતેન્દ્ર પ્રતાપ
બળગા (ઉ.વ. 39) નામના યુવાને જયારે અબડાસાના
સાંધાણમાં 18 વર્ષીય યુવતી નંદનીબેન માધવજી
કટુઆએ ગળેફાંસા ખાઈ જીવ દીધા હતા.
મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના અને હાલે કનૈયાબેન એસએમડબલ્યુની
શ્રમિક કોલોનીમાં રહેતો શ્રમિક ગોપાલ જાદવ તા. 4/8ના સાંજે 4 વાગ્યાના
અરસામાં એશિયા મોટર્સ વર્કસ કંપની પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો ત્યારે સીડી પરથી નીચે
પડી જતાં તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
હતો પરંતુ સારવાર કારગત ન નીવડતાં રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધાની વિગતો પદ્ધર પોલીસ
મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજીતરફ લેર સીમની આશાપુરા કંપનીમાં રહીને મજૂરી કામ કરતો કલ્પેશ
ભીલ ગઇકાલે કંપનીમાં ઉપર પતરાનું મરંમત કામ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ઉપરથી
જમીન પર નીચે પટકાતાં માથા તથા હાથ-પગમાં ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગેની વિગતો હોસ્પિટલની પોલીસ
ચોકીમાં જાહેર કરાઇ હતી અને પદ્ધર પોલીસને જાણ કરવામાં આવી હતી.
ભુજ તાલુકાના કાલી તલાવડીમાં રહેતા મુકેશભાઈ ડાંગરે બે દિવસ
પહેલા વાડી ઉપર કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી. આથી તેને સારવાર અર્થે ભુજની ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બે દિવસની સારવાર કારગત ન નીવડતા તેણે સારવાર દરમ્યાન
દમ તોડી દેતા પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તબીબે
મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતકના ભાઈ રાજેશે જાહેર કરાવી હતી.
સાપેડામાં રહેનાર જીતેન્દ્ર બલગા નામનો યુવાન 1પ-20 દિવસ અગાઉ ટ્રક પર કામ કરતી વેળાએ નીચે પટકાયો હતો. જેમાં તેને
પાંસળીમાં ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન તે તા. 4/8ના પોતાના ઘરે હતો તેવામાં કોઈ અગમ્ય કારણોસર તેવો ગળે ફાંસો
ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીત એવા આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું
ભર્યું હશે તેની આગળની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે.
આ ઉપરાંત અબડાસાના સાંધાણમાં નંદનીબેન કટુઆ નામની યુવતીએ પોતાના
ઘરે આજે સાંજે કોઈ અગમ્ય કારણસર ઓઢણી-દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરહી લીધાની
વિગતો કોઠારા પોલીસ મથકે જાહેર કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી
છે.