ભુજ, તા. 6: વર્ષ - 2015માં મુંદરા તાલુકાના સાડાઉમાં
બે જૂથ વચ્ચેની અથડામણમાં હત્યાનો બનાવ બન્યો હતો. આ કેસમાં પાંચ આરોપી નિર્દોષ જાહેર
થયા છે.
આ કેસની ટૂંક વિગતો મુજબ તા. 23/6/2015ના સાડાઉની રહેમત મસ્જિદની
બાજુમાં એક જ કોમના બે જૂથ વચ્ચે ઘાતક-તીક્ષ્ણ હથિયારો વડે અથડામણ થઈ હતી જે હત્યામાં
પરિણમી હતી, જેમાં બન્ને પક્ષોના શખ્સો
ઘવાયા હતા. સામસામી ફરિયાદ પણ નોંધાઈ હતી. સાડાઉના સિધિક ઓસમાણ જુણેજાની હત્યા અંગે
આરોપી સાલેમામદ અલીમામદ સાંધ, અદ્રેમાન અલીમામદ સાંધ,
ગુલામ આદમ અબ્દુલા સાંધ, જાકબ આમદ સાંધ (ચાલતા
કામે અવસાન પામતાં એબેટ કરવામાં આવ્યા), કાસમ આમદ સાંધ (રહે.
તમામ સાડાઉ) વિરુદ્ધ હત્યા સહિતની કલમો તળે ગુનો દાખલ થયો હતો. આ કેસમાં આરોપીઓને નિર્દોષ
છોડી મૂકવાનો હુકમ ભુજની અધિક સેશન્સ કોર્ટે આપ્યો હતો.
હત્યાની કોશિશમાં આરોપીઓ નિર્દોષ
ત્રણેક વર્ષ પૂર્વે નાના દિનારામાં જી.ઈ.બી.ના વાયરની થયેલી
ચોરી અંગે પૂર્વ જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન એવા આગેવાન તૈયબ ઈબ્રાહીમ સમા (રહે.
નાના દિનારા)એ પોલીસને જાણ કરી હતી. જેને લઈ ખાવડા પોલીસ ઓસમાણ અબ્દુલા સમાના કૌટુંબિક
ભાઈને પૂછપરછ માટે લઈ જતાં પોલીસને જાણ કરી હોવાના શકમાં આરોપીઓ મજીદ અબ્દુલા સમા, અલી અકબર મામદ્રીમ સમા, ઓસમાણ અબ્દુલા સમા, ઈમામ ઉર્ફે ઈમામદીન અબ્દુલા સમા,
આલમ અલાના સમા, કયુમ ઉર્ફે અલારખિયા મલુક સમા
(રહે. તમામ ફઝલવાંઢ, નાના દિનારા)એ ગેરકાયદે મંડળી રચી કુહાડી,
છરી, ધોકા જેવા ઘાતક હથિયારોથી ફરિયાદી તૈયબ ઉપર
જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસમાં સેશન્સ અદાલતે આરોપીઓ પક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપીઓને
નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. ઉપરોક્ત બન્ને કેસમાં આરોપીઓના ધારાશાત્રી તરીકે
આર. એસ. ગઢવી, વિનીત જી. ચૌધરી, વિશ્વા
એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા.
પ્રાણઘાતક હુમલામાં આરોપીના જામીન મંજૂર
ભુજ તાલુકાના કુકમા-લેર નજીક જી.ઈ.બી. સબ સ્ટેશન પાસે નાસ્તો
કરતી વખતે થયેલી તકરારમાં પ્રાણઘાતક હુમલો કરવાના કેસમાં આરોપીના શરતી જામીન મંજૂર
થયા છે. હેત મહેશભાઈ ઠક્કર દ્વારા પદ્ધર પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આરોપી અમરત ગારુએ તેમના પર હુમલો કરી માથાંના
તથા શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ કેસમાં નીચલી કોર્ટમાંથી જામીન અરજી
નામંજૂર થતાં આરોપી પક્ષે ભુજ સેશન્સ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે બંને પક્ષોની દલીલો
સાંભળ્યા બાદ શરતોને આધીન આરોપીના જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો હતો. આરોપી તરફે વકીલ
તરીકે મયૂર એ. પુરોહિત, પાર્થ પુરોહિત તથા જે. એમ. ગજરા હાજર
રહ્યા હતા.
લૂંટના કેસમાં જામીન નામંજૂર
રતિયાથી ઘઉંના બાચકા ભરી ભીડ નાકે લઈ જવાનું કહી રિક્ષા ભાડે
લીધા બાદ ફરિયાદી રિક્ષાચાલક ખીમજીભાઈ મનુભાઈ કાતરિયા (આહીર)ને માર મારી જાનથી મારી
નાખવાની ધમકી આપી ખિસ્સામાંથી રોકડ રૂપિયાની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં
પોલીસે તપાસ દરમ્યાન આરોપી નરેશ રમેશભાઈ કોલીની અટક કરી હતી. આરોપીને અધિક ચીફ જ્યુ.
જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી પક્ષ દ્વારા જામીન અરજી કરાતાં જામીન નામંજૂર
થયા હતા. આ બાદ નિયમિત જામીનની અરજી કરાતાં ચોથા અધિક સેશન્સ જજે પણ જામીન નામંજૂર
કર્યા હતા. સરકાર તરફે સરકારી વકીલ ડી. જે. ઠક્કર અને મૂળ ફરિયાદીના વકીલ તરીકે રામ
એમ. ગઢવી, ખુશાલ મહેશ્વરી હાજર રહી દલીલો કરી હતી.
મુંદરા : મારામારીમાં જામીન મંજૂર
મુંદરામાં ફરિયાદી જમવાની ડિશ લઈને રૂમમાં જતા હતા ત્યારે ડિશ
બાબતે થયેલા ઝઘડામાં ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારી પ્રાણઘાતક ગંભીર ઈજા પહોંચાડયાની
ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાતાં તેની અટક કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં
મોકલ્યા બાદ નીચેની કોર્ટમાં આરોપીના જામીન નામંજૂર થતાં જમીન અરજી સેશન્સ અદાલતમાં
દાખલ કરાતાં આરોપી સદામ હુસેન લાલ મહંમદ શેખના જામીન મંજૂર થયા હતા. આરોપી પક્ષે ધારાશાત્રી
પ્રિયા ડી. ખુંગલા, ભાવિકા જે.
ભાનુશાલી, વિપુલ આર. ભાનુશાલી હાજર રહ્યા હતા.
ટી.વી.માં ક્ષતિ : ગ્રાહક તરફે ચુકાદો
મુંદરાના રહેવાસી મનદીપાસિંહે એમેઝોન મારફતે સોની બ્રાન્ડનું
ટેલિવિઝન સેટ ખરીદ્યું હતું. જો કે, ટીવીમાં ઉત્પાદન ખામી સર્જાતાં અને પ્રોડક્ટ વોરંટી સમયગાળામાં હોવા છતાં કંપની
કે સેલર દ્વારા ખામી દૂર કરી આપવામાં આવી ન હતી. સેવામાં ક્ષતિ જણાતાં ગ્રાહકે ખામીયુક્ત
ટીવી સેટ બદલી આપવા, રકમ પરત મેળવવા તથા માનસિક ત્રાસના વળતર
માટે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ગ્રાહક કમિશને
ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપી વળતર તથા નવો ટીવી સેટ - અથવા રકમ આપવા આદેશ કર્યો છે.
આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે મયૂર એ. પુરોહિત હાજર રહ્યા હતા.