• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

માંડવીમાં બાયપાસનાં સ્થાન ઉપર ગર્ડર બેસાડવાનું કામ શરૂ કરાયું

માંડવી, તા. 6 : માંડવી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા જૈન આશ્રમની બાજુમાંથી કાઠડા જંકશન સુધીના બાયપાસનું કામ રૂા. 62 કરોડના ખર્ચે પૂરઝડપે ચાલી રહ્યું છે. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ સ્થળ પર નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે કામ અંગેની માહિતી મેળવી કઈ રીતે ઝડપથી આ કામ પૂરું થાય તે અંગે જરૂરી સૂચનો કર્યાં હતાં. 360 મીટર લાંબા અને 16 મીટર પહોળા બાયપાસ બ્રિજમાં 10 સ્પાનમાં 50 ગર્ડરનો સમાવેશ કરવામાં આવશે. આજે પ્રથમ સ્પાન ઉપર એક ગર્ડર બેસાડવામાં આવી હતી. એક સ્પાનમાં કુલ પાંચ ગર્ડર બેસાડવામાં આવનાર હોવાનું મદદનીશ ઇજનેર સૌરભભાઇ પટેલ તથા વર્ક આસિસ્ટન્ટ આર. બી. ઘેરાઇએ જણાવ્યું હતું. આ પાંચ ગર્ડર લાગ્યા બાદ પ્રથમ સ્પાન ઉપરથી સ્લેબનું કામ શરૂ કરવામાં આવશે અને ડિસેમ્બર 26 સુધીમાં આ બાયપાસનું કામ પૂરું થઇ જવાનો આશાવાદ સેવ્યો હતો. નીરજ સિમેન્ટ સ્ટ્રકચરલ લિ. દ્વારા ચાલતા આ કામમાં હાલમાં 2.50 મેટ્રિક ટનના 2 ક્રેન, 4 હાઇડ્રા, 1 એસ્કેવેટર, 1 જેસીબી જેવા આધુનિક સાધનો વડે કામ ચાલી રહ્યું છે. બાયપાસ માર્ગ નિર્માણથી માંડવી શહેરની ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ આવશે. ધારાસભ્યની મુલાકાત વખતે મામલતદાર પ્રદ્યુમનસિંહ જાડેજા, પી.આઇ. શ્રી બારોટ, ના.કા. ઇજનેર ડી.વાય. ગોસ્વામી, સુરેશભાઇ સંઘાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd