• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સતત બીજા દિવસે રિજિજુની રાહુલને અપીલ

નવી દિલ્હી, તા. 6 : વિવાદી સીમાંકન ખરડો પસાર કરાવીને કાયદો બનાવવાની કવાયતમાં સરકાર કોઈ કચાશ નહીં રાખતાં વિપક્ષોને સાધવા સતત પ્રયાસ કરી રહી છે. મોદી સરકારના મંત્રી કિરણ રિજિજુ ગુરુવારે સળંગ બીજા દિવસે આ મુદ્દે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મળ્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, રિજિજુએ કહ્યું હતું કે, લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સાથે મારી ચર્ચા થઈ. અમે ઈચ્છીએ છીએ કે, કોંગ્રેસ અને બાકીના વિપક્ષોથી સતત વાત કરતા રહીએ. અમે એકબીજાના વિરોધી છીએ, પણ દુશ્મન નહીં. બધા દેશહિતમાં કામ કરે તે ઈચ્છનીય છે. ગૃહમંત્રી સંસદમાં સવારથી સાંજ સુધી હાજર છે તેવું કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય બાબતોના મંત્રી અને રાહુલ ગાંધી વચ્ચેની ચર્ચા ગૃહમાં સર્જાયેલા ગતિરોધને ઉકેલવા પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત, મહિલા અનામત અને સીમાંકન અંગેના સમર્થન બાબતે પણ વાતચીત કરવામાં આવી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર સાથે આગળની ચર્ચા કરતા પહેલાં તેઓ `ઈન્ડિયા' ગઠબંધનના તમામ પક્ષો સાથે પરામર્શ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પાસે બિલ પસાર કરવા માટે જરૂરી સંખ્યાબળ છે; તેમ છતાં કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ હોવાથી સરકાર તેને પણ સાથે લઈને ચાલવા માગે છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, સીમાંકન અને ગૃહની કાર્યવાહીના સંચાલન મુદ્દે કોંગ્રેસ અને સરકાર વચ્ચે તીવ્ર વાકયુદ્ધ થયું હતું. કોંગ્રેસે સરકાર પર ગેરસમજ ફેલાવવાનો અને ચર્ચાથી દૂર ભાગવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે પક્ષના નેતાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, વિપક્ષ દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ સરકારે પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. વિપક્ષ સતત ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માંગ કરી રહ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં જ હાજર છે; તેઓ માત્ર સાંજે જ અહીંથી જાય છે.

Panchang

dd