• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

વિન્ડિઝ સામે 8 વિકેટે જીત મેળવી શ્રેણી 1-1થી ડ્રો કરતું પાક

પોર્ટ ઓફ સ્પેન, તા. 6 : વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં 8 વિકેટે શાનદાર જીત મેળવીને પાકિસ્તાને બે મેચની શ્રેણી 1-1થી ડ્રો કરી છે. આ સાથે જ પાકિસ્તાને વિદેશી ધરતી પર સતત 8 ટેસ્ટ મેચની હારના ક્રમને પણ તોડયો છે. વિદેશમાં પાકિસ્તાને છેલ્લો ટેસ્ટ વિજય જુલાઇ 2023માં શ્રીલંકાની ધરતી પર મેળવ્યો હતો. જેના ત્રણ વર્ષ બાદ દેશની બહાર જીતનો સ્વાદ ચાખ્યો છે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર પણ પાક.ને એક સ્થાનનો ફાયદો થયો છે અને 8મા નંબર પર પહોંચ્યું છે. ગઇકાલે મેચના ચોથા દિવસે પાકિસ્તાનને જીત માટે 7પ રનનું આસાન લક્ષ્યાંક મળ્યું હતું. જે બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતું. કપ્તાન બાબર આઝમ અને અબ્દુલ્લાહ શફીક 24-24 રને નોટઆઉટ રહ્યા હતા. શફીક પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે પહેલા દાવમાં 160 રનની ઈનિંગ્સ રમી હતી. બાબર આઝમ (કુલ 193 રન) અને જસ્ટિન ગ્રીવ્સ (111 રન અને 7 વિકેટ) પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. આ પહેલા ગઇકાલે લંચ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 117 રનમાં સમાપ્ત થયો હતો. સાજિદ ખાન અને અલી ઉસ્માને 4-4 વિકેટ લીધી હતી. વિન્ડિઝના પહેલા દાવમાં 344 સામે પાક.ના 387 રન થયા હતા.

Panchang

dd