• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

વિકાસ યોજનામાં પર્યાવરણની આગોતરી મંજૂરી અનિવાર્ય

વિકાસની અભિલાષા અને પર્યાવરણનાં જતનના મુદ્દા મોટાભાગે એકમેકની સાથે સંકળાયેલા રહ્યા છે. વક્રતા એ છે કે, જ્યારે-જ્યારે વિકાસની ચર્ચા છેડાય છે, ત્યારે-ત્યારે પર્યાવરણના નુકસાનની ચિંતા સામે આવે છે. આધુનિક સમયમાં દુનિયાની મોટાભાગની સરકારો વિકાસનનાં કામોને સમયની અનિવાર્યતા ગણાવીને પર્યાવરણના નુકસાનને રોકવાના મામલે ભાગ્યે જ ખચકાટ અનુભવી રહી છે. દુનિયાના સંખ્યાબંધ દેશોમાં હવે એવું ચલણ વધી રહ્યંy છે જેમાં કોઈપણ વિકાસ યોજનાની મંજૂરીથી અમલીકરણ દરમ્યાન પર્યાવરણનાં જતનની ચિંતાને વિસરી જવાય છે. તે પછી જો આ વિકાસ યોજનાથી  પર્યાવરણને વ્યાપક નુકસાનની હકીકતો સામે આવે ત્યારે જવાબદારો દ્વારા માફી માંગી લઈને આખા પ્રકરણમાં ભીનું સંકેલી લેવાય છે. કમનસીબે ભારતમાં પણ હવે આ ચલણ પ્રચલિત બની ચૂક્યું છે. જો કે, હવે આવાં વલણની સામે સર્વોચ્ચ અદાલતે લાલબત્તી ધરી છે. બુધવારે એક મહત્ત્વના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કહ્યંy છે કે, પર્યાવરણને નુકસાન પહોંચાડયા બાદ માફી માગી લેવાની વ્યવસ્થા ખોટી છે. ભવિષ્યમાં હવે કોઈપણ કંપની આગોતરી મંજૂરી વગર કામ શરૂ કરી શકશે નહીં. વિકાસ યોજના કે કોઈપણ પ્રોજેક્ટના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો ઐતિહાસિક ગણી શકાય તેવો છે. ઉલ્લેખનીય છે કે, 2021માં એક સરકારી આદેશ તળે કેન્દ્ર સરકારને એવો અધિકાર અપાયો હતો કે, કોઈપણ યોજના કે પ્રોજેક્ટનું કામ શરૂ કરાયા અથવા પૂરું થયા બાદ તેને પર્યાવરણીય મંજૂરી આપી શકાશે. પ્રથમ નજરે આ વ્યવસ્થા પર્યાવરણની ચિંતાઓને નકારવાના ઈરાદા સાથેની હોવાનું જણાય છે. આ વ્યવસ્થામાં કોઈપણ પ્રોજેક્ટથી સ્થાનિક પરિસ્થિતિને કાયમી કે લાંબાગાળાની નુકસાની થઈ શકે તેના પર ધ્યાન આપવાની અને તેના ઉકેલનાં પગલાં પર ધ્યાન આપવાની કોઈ જોગવાઈ જણાતી નથી. 2021ના આ આદેશને હવે સર્વોચ્ચ અદાલતે રદ કરી નાખ્યો છે. જો કે, અદાલતે તેનો આ નિર્ણય ભવિષ્યના પ્રોજેકટના અમલ માટે લાગુ પડશે એવી પણ સ્પષ્ટતા કરી છે. અગાઉ મંજૂર થયેલી યોજનાઓ માટે આ ચુકાદો લાગુ પડશે નહીં. હવે સવાલ એ છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન વિકાસ પ્રોજેકટના અમલમાં પર્યાવરણની અવળી અસરની આગોતરી ચિંતા કરવાનું સરકારે શા માટે ટાળ્યું છે. આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ મંચો પરથી પર્યાવરણની ચિંતા વ્યકત થતી રહે છે, પણ વિકાસની યોજનાઓને મંજૂરી આપવાના સમયે આ ચિંતાને વિસરી જવાની વિચારધારા હાવી બની જતી હોય છે. વિકાસની હરણફાળ ભરી રહેલાં ભારતમાં લોકોનાં જીવનને વધુ સરળ બનાવવાથી માંડીને આર્થિક ઉન્નતિની અનિવાર્યતા પર લાંબા સમયથી ચર્ચા થતી રહે છે, પણ પર્યાવરણના વિનાશથી  વિકાસ સાધવાની વૃત્તિ ભારે નુકસાનકારક હોવાનું યુરોપ સહિતના પશ્ચિમી દેશોના અનુભવે સાબિત થઈ રહ્યંy છે. ઠંડા દેશોમાં ભારે ગરમી અને જંગલના દવની કટોકટી હવે વિકાસની સાથે પર્યાવરણનાં જતનના પાઠ શીખવી રહી છે, ત્યારે ભારતે હવે સર્વોચ્ચ અદાલતના આદેશનો આભાર માનવો રહ્યો.

Panchang

dd