• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભારતમાં નહીં ચાલે અમેરિકી કાયદા : કેન્દ્રની મેટાને સ્પષ્ટ વાત

નવી દિલ્હી, તા. 6 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવા અને પ્લેટફોર્મ ઉપર વાંધાજનક સામગ્રી ફેલાતી હોવા મુદ્દે મેટાની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. ગુરુવારે પણ મેટા સંબંધિત વિવાદ યથાવત્ રહ્યો હતો. મેટાની ગ્લોબલ ટીમે ભારતીય કાયદાનું પાલન કરવા મામલે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં અલ્ગોરિધમ અને નિયમો મુદ્દે સરકાર તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયું હતું કે, ભારતમાં અમેરિકાના કાયદા ચાલશે નહીં. રિપોર્ટ અનુસાર મેટાની ગ્લોબલ ટીમ આગામી ત્રણ કે ચાર દિવસ ભારતમાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન સરકારી અધિકારીઓ સાથે મેટાની ટીમ મુલાકાત કરશે. આ બેઠકોમાં વોટ્સએપ સંબંધિત મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થવાની સંભાવના છે. મેટાની ગ્લોબલ ટીમ સાથે સરકારની અલગ અલગ દોરની બેઠકો થઈ શકે છે. સરકાર મેટાના અલ્ગોરિધમ, કન્ટેન્ટ મોડરેશન, નિયમોના પાલનની રીત, ચેક એન્ડ બેલેન્સ તેમજ સુરક્ષા ઉપાયો અંગે જાણકારી માગી રહી છે. જેમાં બાળકોનાં યૌન શોષણ સંબંધિત સામગ્રી (સીએસએએમ) અને ડીપફેક કન્ટેન્ટનો ઉકેલ લાવવા માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર કેન્દ્રએ મેટાના અધિકારીઓને કહ્યું હતું કે, ભારતમાં અમેરિકી કાયદાના આધારે પ્લેટફોર્મ ચલાવી શકાય નહીં. આ ટેકનિકલ મામલા છે અને તેની દરેક બાબતો સમજવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, તમામ સંસ્થાનોની જેમ તમામ પ્લેટફોર્મની પણ સમાજ અને કાયદા પ્રત્યે જવાબદારી હોય છે. આ દરમિયાન આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મેટાની ગ્લોબલ ટીમ સાથે મુલાકાત કરી હતી જ્યારે મંત્રાલયના અન્ય અધિકારી કંપનીની ટેકનિકલ ટીમ સાથે વાતચીત ચાલુ રાખશે. રિપોર્ટ અનુસાર સરકાર એક્સ અને ટેલીગ્રામ સહિત અન્ય મોટા પ્લેટફોર્મ સાથે પણ સતત વાતચીત કરી રહી છે. જેનો હેતુ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર નિયમોના પાલન, સુરક્ષા અને જવાબદારીને સુનિશ્ચિત કરવાનો છે.

Panchang

dd