નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે
દેશમાં બાયોગેસ ઉત્પાદનને વેગ આપવાના હેતુ સાથે એક નવી યોજનાને મંજૂરી આપી હતી, જેનું નામ `ગોબરધન'
રખાયું છે, હવે ગોબરમાંથી પણ કમાણી થઇ શકશે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળે ગુરુવારે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચવાળી
આ યોજનાને મંજૂરી આપી હતી. દેશની માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ
બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ `ગોબરધન' યોજના
2026-27થી 2035-36 સુધી અમલી કરાશે. સરકારનો હેતુ
ગોબર અને ખેતીના કચરામાંથી સ્વચ્છ ઇંધણ તૈયાર કરવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને કિસાનોની આવક વધારવાનો
છે. આ યોજનામાં ગાયનું ગોબર, પાકનો વધતો કચરો જેવી વસ્તુઓનો ઉપયોગ
કરીને બાયોગેસ તેમજ જૈવિક ખાતર તૈયાર કરાશે. આ પ્રક્રિયાથી કચરાનો સારો ઉપયોગ થશે અને
કિસાનોને આવકનો નવો સ્રોત પણ મળશે. ગોબર, ખેતીના કચરામાંથી કમાણી
થઇ શકશે. સરકારે જણાવ્યું હતું કે, સુનિશ્ચિત માંગ, આકર્ષક અને સ્થિર ભાવ નિર્ધારણ, મૂડીગત સહાય,
ટેક્નોલોજી વિકાસ જેવા ઉપાયોની મદદથી બાયોગેસ ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તર
પર વિસ્તારવા મજબૂત ઢાંચો બનશે.