મુંબઈ, તા. 6 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)
છાત્રો બાદ હવે બેરોજગાર યુવાનો માટે આંદોલન કરવાની તૈયારી કરી રહી હોય, તેવું જણાય છે. સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ
આ અંગે વાત કરી હતી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સીજેપીની કોર ટીમની બેઠક બાદ
દીપકેએ કહ્યું હતું કે, બેરોજગારી હવે માત્ર યુવાનોની વ્યક્તિગત
સમસ્યા નથી, પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગઈ છે. અભિજિતે
ઘોષણા કરી હતી કે, સીજેપી આવનારા સમયમાં બેરોજગારીના મુદ્દાને
દેશવ્યાપી જનઆંદોલનનું રૂપ આપવા માટે વ્યાપક અભિયાન છેડશે. યુવાનોને રોજગારના સવાલ
પર સંગઠિત કરવા સમયની સૌથી મોટી આવશ્યકતા છે. દેશભરમાં `ક્યા બોલતી પબ્લિક' અભિયાન છેડાશે, તેવું
દીપકેએ કહ્યું હતું. દેશનાં શહેરો, ગામડાંઓમાં જઈને યુવાનો સાથે
બેરોજગારી તેમજ મોંઘાં શિક્ષણના મુદ્દાઓ પર વાત કરાશે. સીજેપી સ્થાપકે કહ્યું હતું
કે, દેશમાં શાળા, કોલેજ, કોચિંગની ફી ઘણી બધી વધી ગઈ છે, જે ઘટાડવા માટે અને સરકારી
શાળાઓમાં સુધારા માટે સીજેપી કામ કરશે. કોકરોચ જનતા પાર્ટી કોઈ ચૂંટણી લડે તેવો રાજકીય
પક્ષ નહીં બને, પરંતુ દેશનાં લોકતાંત્રિક સંસ્થાનો અને શાસનમાં
જવાબદારી નક્કી કરવા માટે જનતાને સાથે રાખીને કામ કરશે, તેવું
દીપકેએ જણાવ્યું હતું.