• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

શિણાય ડેમથી આદિપુરને પીવાનું પાણી આપવાની યોજના નિષ્ફળ

ગાંધીધામ, તા. 6 : શિણાય ડેમથી આદિપુરને પીવાનું પાણી આપવાની યોજના ઉતાવળે કાર્યરત કરી દીધા પછી હવે નિષ્ફળ નીકળી છે. ડેમ માટે પાણી એચ.એસ.આર. ટાંકા ઉપર પહોંચાડવામાં મશીનરી સક્ષમ નથી. યોગ્ય આકલન અને ટેકનિકલ પાસાઓને તપાસ્યા વગર જ લાખો રૂપિયાના ખર્ચે મશીનરી વસાવી છે, પરંતુ હવે તે બિનઉપયોગી બની છે, જેના પગલે પાણી પુરવઠા બોર્ડ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણકારોના મતે શિણાય ડેમથી આદિપુરને પીવાનું પાણી આપવું હોય, તો ડેમ ઉપર જેકવેલ જેવી સુવિધાઓ વિકસાવવી પડે અને 75થી 100 હોર્સ પાવરની મોટરોથી પાણીને પમ્પિંગ કરવું પડે તો જ પાણી એચએસઆરના ટાંકા સુધી પહોંચી શકે તેમ છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્વારા 20 એચપીની બે અને 25 એચપીની બે મોટર મૂકવામાં આવી છે, જે પાણીનું પમ્પિંગ કરીને ટાંકા સુધી પાણી પહોંચાડવામાં અસક્ષમ છે. તત્કાલીન સમયે મહાનગરપાલિકાના ઇજનેરોએ આ બાબતે પાણી પુરવઠા બોર્ડનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ જવાબદારોએ પાણી પુરવઠા બોર્ડના ઇજનેરો સક્ષમ છે તે જે કામગીરી કરે છે તે યોગ્ય જ કરે છે તેવું કહ્યું હતું. ત્યાર પછી જ પાણી પુરવઠા બોર્ડ દ્વારા મશીનરી મૂકવામાં આવી છે તે પાણી પહોંચાડવામાં સક્ષમ નથી, પરિણામે હાલના સમયે આ યોજના નિષ્ફળ નબળી છે આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીનો સંપર્ક સાધતા તેમણે વાતને સમર્થન આપીને મશીનરી સક્ષમ ન હોવાનો સ્વીકાર કર્યો હતો. જે તે સમયે પીવાનાં પાણીની હાડમારી હતી અને લોકોમાં આક્રોશ હતો એટલે જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીઓએ ઉતાવળમાં આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો અને અસક્ષમ મશીનરી મૂકીને પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જે નિષ્ફળ નિવડયો છે.  લાખો રૂપિયાનો ખર્ચ થયો છે તેમ છતાં આદિપુરને જે 8થી 10 એમએલડી પાણી આપવાનું છે, તે હજુ સુધી પહોંચતું નથી.

અજાપરથી મેઘપર તથા ગળપાદરને પાણી વિતરણ

મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાનાં પાણીની હાડમારી છે, હાલના સમયે પણ લોકોને નિયમિત પાણી મળતું નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અજાપરનો પ્રકલ્પ કાર્યરત કરવામાં આવ્યો છે અને ત્યાંથી દોઢ એમએલડી પાણી મેઘપર તથા ગળપાદરને આપવામાં આવી રહ્યું હોવાનું પાણી પુરવઠા બોર્ડે કહ્યું હતું. અન્ય ગામો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમને પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો અપાય તેવી માંગ ઊઠી છે.

Panchang

dd