વિવિધ દિવસોની આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ઉજવણીની ફળશ્રુતિ શું? 2010માં વિશ્વમાં
વાઘની વસ્તી સાવ 3200 સુધી ઐતિહાસિક
નીચાં સ્તરે પહોંચી ગઈ હતી. વાઘનું અસ્તિત્વ ધરાવતા ભારત સહિતના 13 દેશ ભેગા થયા અને વર્ષ 2022 સુધીમાં આ આંકડો બમણો કરવાનો
સંકલ્પ કરાયો. આજે એકલા ભારતમાં 58 ટાઈગર રિઝર્વ્સમાં
વાઘની સંખ્યા 3682 જેટલી થઈ છે, જે પૃથ્વી પર બચેલા વાઘની કુલ સંખ્યાના સિત્તેર
ટકા છે. 29મી જુલાઈ
ઇન્ટરનેશનલ ટાઈગર-ડે માત્ર ઉજવણી નથી, દોઢ દાયકા પહેલાં શરૂ કરાયેલાં એક અભિયાનને પગલે આવેલું સકારાત્મક પરિણામ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મંચ `એક્સ'
પર ટાઈગર- ડે નિમિત્તે મૂકેલી પોસ્ટમાં વન અધિકારીઓ, વિજ્ઞાનીઓ તથા સંરક્ષકોના સહિયારા પ્રયાસો તથા પ્રકૃતિ સાથે સામંજસ્ય સાધીને
જીવવાની આપણી સદીઓ પુરાણી સંસ્કૃતિને કારણે વાઘ સંરક્ષણમાં ભારત મહત્ત્વનું સીમાચિહ્ન
સર કરી શક્યું છે. મનુષ્યો જંગલમાં પ્રવેશી રહ્યા છે તથા વિવિધ યોજનાઓને કારણે વન વિસ્તાર
ઓછો થવા ઉપરાંત શિકાર જેવા કારણોસર ભારતમાં વાઘની સંખ્યા ચિંતાજનક નીચાં સ્તરે પહોંચી
ગઈ હતી. 2010માં વૈશ્વિક
સ્તરે એક સદી પહેલાંના આંકડાની સરખામણીમાં માત્ર ત્રણ ટકા વાઘ જ બચ્યા હતા. ભારતમાં
1973થી વાઘ સંરક્ષણ માટેનાં વિવિધ
અભિયાનો હાથ ધરાયાં હતાં અને આ પ્રયાસોનાં પરિણામે 2006 સુધીમાં આ આંકડો 1411 સુધી પહોંચ્યો હતો. દર ચાર વર્ષે વનમાંના વાઘોની ગણના હાથ ધરાય
છે અને ભારતે આ દિશામાં ક્રમશ: સુધારો નોંધાવ્યો છે. 2010માં આ આંકડો 1706 સુધી પહોંચ્યો અને 2023માં છેલ્લી ગણતરીમાં 3683 વાઘ ભારતમાં હોવાનું સામે આવ્યું
છે. એમાંય 2019થી 2023 વચ્ચેનાં ચાર વર્ષના ગાળામાં
વાઘની વસ્તીમાં 24 ટકા જેટલો
નોંધપાત્ર વધારો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનમાં વિશેષ રસ લીધો છે અને
દેશની આઝાદીનાં 75મા વર્ષે
વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં હોવાની જાહેરાત
ગર્વભેર કરી હતી. વાઘનાં કુદરતી રહેઠાણની જાળવણી કરવા સાથે લોકોમાં વાઘની સંખ્યા બાબતે
જાગરુકતા નિર્માણ કરવા ઉપરાંત વાઘ સંરક્ષણ સંબંધી મુદ્દાઓને આધાર આપવાના ત્રિવિધ પ્રયાસોને
કારણે આ સફળતા મળી છે. વાઘના ગેરકાયદે શિકાર ઉપરાંત તેમનાં ચામડાં અને હાડકાંની આંતરરાષ્ટ્રીય
સ્તરે બહુ મોટી માંગ છે. 1972માં રોયલ
બેંગાલ ટાઈગરને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયા બાદ તેમનાં સંરક્ષણના પ્રયાસોને વેગ મળ્યો
હતો. દેશમાં 18 ટાઈગર રેન્જ રાજ્ય છે, જેમાં 58 ટાઈગર રિઝર્વ્સ છે અને દેશના
આશરે 2.56 ટકા ભૌગોલિક વિસ્તારમાં વાઘનો
વ્યાપ છે. ગ્રાઉન્ડ સર્વેક્ષણો, રિમોટ
સેન્સિંગ, કેમેરા ટ્રાપિંગ તથા વાર્ષિક નિરીક્ષણ દ્વારા વાઘની
સંખ્યા પર નજર રાખવામાં આવે છે. ટેક્નોલોજી સંચાલિત આ પ્રયાસો રંગ લાવ્યા છે. આમ છતાં,
સમાચાર આવે છે કે, વાઘ માનવ વસાહતમાં દેખાયો કે
હુમલો કર્યો. આવું થવાની ફ્રીક્વન્સીમાં ઘટાડો કરવાનું ધ્યેય આગામી વર્ષોમાં રાખવામાં
આવે એ કદાચ આ દિશામાં બીજી મોટી પહેલ હશે.