નવી દિલ્હી, તા. 30 : ઈરાન ઉપર
ફરીથી અમેરિકી બોમ્બ વરસવાનું શરૂ થયું છે અને હવે આ ઘર્ષણની ચપેટમાં નવા દેશ પણ આવી
રહ્યા છે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધ વધારે ભડક્યું છે. જોર્ડનમાં અમેરિકી
સૈન્ય બેઝ ઉપર મિસાઈલ હુમલાની કોશિશ બાદ અમેરિકાએ ઈરાન ઉપર જોરદાર પલટવાર કર્યો હતો.
ગુરૂવારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનમાં આઈઆરજીસીના ઘણા સૈન્ય, ડ્રોન અને મિસાઈલ સ્થળો ઉપર ભીષણ એરસ્ટ્રાઈક
કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાફ ચેતવણી આપતા કહ્યું હતું કે,
ઈરાને મિસાઈલ છોડી હતી જેને તોડી પાડવામાં આવી છે અને હવે હુમલો કરવાનો
અમેરિકાનો વારો છે. ઈરાને કુવૈતમાં અમેરિકી સેનાની હાજરીના અલી અલ સાલેમ સૈન્ય બેઝ
ઉપર હુમલો કર્યો હતો. એક નિવેદન અનુસાર આ હુમલામાં અમેરિકી સૈન્ય વિમાનો અને હેલીકોપ્ટર્સના
ઉપયોગમાં આવતા બે ડ્રોન હેંગર અને એક ફયુલ ટેંક પુરી રીતે નષ્ટ થયા હતા. જો કે કુવૈત
અને અમેરિકી પક્ષ તરફથી કોઈ દાવો થયો નહોતો. આ દરમિયાન ઈરાનના કેશ્મ દ્વીપ ઉપર થયેલા
હુમલામાં એક ઈમારત ધ્વસ્ત થઈ હતી. જેમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્કયુ ઓપરેશન શરૂ
કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પ્રશાસને આ અગાઉ સતત 13 રાત સુધી ઈરાની સૈન્ય છાવણીઓ
ઉપર હુમલા કર્યા હતા. ત્યારબાદ વાતચીતની સંભાવનાને ધ્યાને રાખીને બોમ્બમારો અસ્થાયી
રીતે રોક્યો હતો. જો કે જોર્ડનમાં થયેલા મિસાઈલ હુમલા બાદ સૈન્ય અભિયાન ફરી શરૂ થયું
છે. ઈરાનની સ્થાનિક ન્યુઝ એજન્સીએ દાવો કર્યો હતો કે ઈરાકના દિયાલા પ્રાંતમાં અમેરિકા
અને સાઉદી અરબના સંયુક્ત હુમલામાં આઈઆરજીસીના ચાર સભ્ય માર્યા ગયા છે. ચારેય કાશાન
શહેરના રહેવાસી હતા. બીજી તરફ ન્યુયોર્ક ટાઈમ્સે એક અમેરિકી અધિકારીના હવાલાથી દાવો
કર્યો હતો કે સંયુક્ત હુમલામાં 20 ઈરાની સલાહકાર
માર્યા ગયા છે.