• શુક્રવાર, 31 જુલાઈ, 2026

કચ્છી હસ્તકલાના મહિલા કારીગરને ભરતગૂંથણ ક્ષેત્રે ડોક્ટરેટની પદવી

ચોબારી (તા. ભચાઉ), તા. 30 : મેરઠ ખાતે ચૌધરી ચરણસિંહ યુનિ. દ્વારા યોજાયેલા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને વાઇસ ચાન્સેલર સંગીતા શુક્લાની હાજરીમાં કચ્છના સુગારિયાના રસીલાબેન ડુંગરિયાને ભરતગૂંથણ ક્ષેત્રે ડી. લિટ. ડિગ્રી અર્પણ કરાઇ હતી. આ ડિગ્રી અર્પણ કરતા આનંદીબેન પટેલે રસીલાબેનના કલાત્મક અને સામાજિક કાર્યની પ્રશંસા કરી હતી. રાજ્યપાલે મંચ પરથી જણાવ્યું હતું કે, પોતે ગુજરાતનાં શિક્ષણમંત્રી હતાં, ત્યારે તેમની મુલાકાત દરમિયાન રસીલાબેનને મળ્યાં હતાં. આ રસીલાબેન દ્વારા કચ્છની અનેક મહિલાને રોજગારી મળી રહી છે. આવી મહિલાઓ કોઇ યુનિવર્સિટીની પ્રોફેસર કરતા ઓછી પ્રતિભાશાળી નથી. વધુમાં આનંદીબેને જણાવ્યું હતું કે, આ ડી. લિટ. જેવી સર્વોચ્ચ ડિગ્રી માત્ર ડિગ્રીધારકો પૂરતી મર્યાદિત ન રહેતાં કુશળ કારીગરો અને પરંપરાગત કલાકારોને પણ એનાયત કરવી જોઇએ કે જેમણે ઉત્કૃષ્ઠ યોગદાન આપ્યું છે. અનેક રાજ્યોમાં હસ્તકલાનાં પ્રદર્શનમાં ભાગ લઇ ચૂકેલાં રસીલાબેને જણાવ્યું કે, પોતે કચ્છની પરંપરાગત ભરતગૂંથણની આ હસ્તકલા પોતાના દાદી પાસેથી શીખ્યાં છે. ભરતગૂંથણ જેવી હસ્તકલામાં માહેર રસીલાબેન વિવિધ શૈલીઓમાં પારંગત છે, જેમાં મીરર, એમ્બ્રોઇડરી, ચેઇન સ્ટીચ, ઇન્ટલેસિંગ સ્ટીચ અને રંગબોન સ્ટીચ જેવી કલાના નમૂના તૈયાર કર્યા છે. રંગબેરંગી સૂતરાઉ અને રેશમના દોરા વડે શણગારાયેલ નમૂનાઓમાં પ્રાકૃતિક પરંપરાગત ચિત્રો, મોર, પોપટ, ઝાડ, હાથી વગેરે સૌંદર્યલક્ષી સાંસ્કૃતિક ઓળખ આપે છે. સુગારિયા ગામનાં રસીલાબેન કાનજી ડુંગરિયાએ પોતાના દાદીમા પાસેથી શીખેલી બાળપણની યાદોને તાજી કરતાં આ હસ્તકલાને પોતાના જીવનનો એક ભાગ ગણાવે છે, જે કચ્છી ભરતકામની પરંપરાગત અનોખી ઓળખ છે. રસીલાબેન કચ્છમાં સૌ પ્રથમ વખત મેઘવાળ ભરતની ઓળખ ઊભી કરી છે, જેને દેશ દુનિયા સુધી અનોખી છાપ ઊભી કરી છે. માત્ર આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા રસીલાબેનને કચ્છની હસ્તકળા માટે માનદ ડોક્ટરેટની પદવી મળતાં સમસ્ત કચ્છ મેઘવાળ સમાજ તેમજ કારીગર સમજ તરફથી અભિનંદન મળી રહ્યાં છે. 

Panchang

dd