ઇંગ્લેન્ડના ગ્લાસગો ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના
રમતવીરોની સફળતા દેશવાસીઓને આનંદ આપે છે. આયર્લેન્ડ અને પછી ઇંગ્લેન્ડના પ્રવાસમાં
આપણી મેન્સ ક્રિકેટ ટીમે ઉપરાઉપરી શ્રેણી ગુમાવી,
પણ રાષ્ટ્રકુળ રમતોમાં ખેલાડીઓ ઝળકી રહ્યા છે. આમ તો ગ્લાસગો ગેમ્સમાં
શૂટિંગ, કુસ્તી, બેડમિન્ટન, ટેનિસ અને હોકી જેવી રમતો સામેલ નથી. આ બધી રમતોમાં ભારતના ખેલાડીઓ પાવરધા
છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સમય-સંજોગ મુજબ લવચિતપણું દાખવવું
યોગ્ય રહેશે, શું નથી એ કરતાં જેમાં છીએ એમાં શ્રેઁષ્ઠ પ્રદર્શન
કરીને ભારત માતાનું નામ રોશન કરવું વધુ યોગ્ય છે. મણિપુરની વીરાંગના મીરાબાઇ ચાનુ આવી
જ એક લડાયક ખેલાડી છે. ચાનુએ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતીને દેશને પ્રથમ સુવર્ણ
સફળતા તો અપાવી જ, પણ 48 કિલોવર્ગમાં લગાતાર ત્રીજાં વર્ષે ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો
છે. રાષ્ટ્રકુળ રમતોત્સવમાં છેલ્લાં 96 વર્ષમાં આવું પરાક્રમ આ વયજૂથમાં કોઇ મહિલા ખેલાડીએ કર્યું નથી.
મીરાબાઇએ 2018, 2022 અને 2026 એમ સતત ત્રણેવાર ભારતનાં ખાતાંમાં
પહેલો ગોલ્ડ નોંધાવવાનું વિરલ બહુમાને મેળવ્યું
છે. એ પછી મહિલાઓની શોટપૂટ સ્પર્ધામાં શર્મીલા ધનખડે પણ ગોલ્ડ જીત્યો છે. મીરાબાઇ દેશના
દિગ્ગજ વેઇટલિફ્ટર્સ છે. મણિપુર છેલ્લા અરસાથી જાતિવાદી હિંસાની આગમાં સળગી રહ્યું
છે. તણાવ ત્યાંની હવામાં ઘૂમરાઇ રહ્યો છે. ગૃહ રાજ્યની આવી સ્થિતિ પણ ચાનુની હિંમત
અને મનોબળ ડગાવી નથી શકી એ મોટી વાત છે. રમત કોઇ પણ હોય, મેદાનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા માટે ખેલાડીએ
ઝઝૂમવું પડે છે. ટીમ ગેમમાં મોટાભાગે સંઘબળથી જીત મળતી હોય, પણ
વ્યક્તિગત ઇવેન્ટમાં ખેલાડીની તાલીમ, તૈયારી, મનોદશા, પ્રોત્સાહન એ બધાં પરિબળો ભાગ ભજવે છે. સુવર્ણ
સફળતા પછી પોડિયમ પર સૌથી ઊંચે ઊભા હોઇએ અને જન ગણ મન...ની ધૂન સાથે ત્રિરંગાને સલામી
અપાય એ પળ ગૌરવવંતી હોય છે. ચાનુની આંખો પણ છલકાઇ ઊઠી હતી. મણિપુરના ઋષિકાંત સિંહે
પણ 60 કિ.ગ્રા. વર્ગમાં રજત ચંદ્રક
જીત્યો. તેણે 264 કિલો વજન ઊંચક્યું. અગર ગોઠણમાં
થોડી તકલીફ ન થઇ હોત તો સુવર્ણ ચંદ્રકના દાવેદાર હતા. ઋષિકાંત 2025 કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક
વિજેતા છે. મીરાબાઇ ચાનુ અને ઋષિકાંત બંને ગરીબ ઘર અને નાનકડાં ગામમાંથી આવે છે. તેમણે
અભાવમાં સમય વીતાવ્યો છે, તકલીફો સહન
કરી છે. આવા સંઘર્ષ વચ્ચે પણ એ બંનેએ ચેમ્પિયન ખેલાડી બનવાનાં પોતાનાં સપનાંને ન માત્ર
જીવંત રાખ્યું બલ્કે એ માટે પ્રતિબદ્ધતાથી મહેનત કરી એ પ્રેરણાદાયી છે. ઋષિના પિતા
ટેક્સી ચલાવે છે. ઋષિ 40 કિલોમીટર
સાઈકલ ચલાવીને પ્રશિક્ષણ માટે જતો. ચાનુએ નાનપણમાં વાંસના ડંડાનો બોજ ઊંચક્યો છે. આ
તેનો પાયાનો અભ્યાસ હતો. વિશ્વ સ્તરીય વેઇટલિફ્ટર બનવાની એ શરૂઆત હતી. ચાનુએ 2020-21 ટોકિયો ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં
દેશને રજત અપાવ્યો હતો, પણ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક
જીતી ન શકતાં હતાશા ઘેરી વળી હતી. બીમારી આવી, ઓપરેશન કરાવવું પડયું. એ કસોટીકારક સમયમાંથી પસાર થઇને મીરાબાઇએ ગ્લાસગોમાં
ગોલ્ડ જીત્યો એનું ઘણું મૂલ્ય અને મહત્ત્વ છે. હવેનું મીરાબાઇનું લક્ષ્ય 2028 ઓલિમ્પિક ગેમ્સ રહેશે. કોમનવેલ્થ
ગેમ્સમાં એ પછી પણ સારા સમાચાર મળતા રહ્યા છે. વેઇટલિફ્ટિંગમાં જ રાજા મંથુપાંડી, જ્ઞાનેશ્વરી યાદવ અને બિંદિયારાની દેવીએ પણ
રજત જીતીને રંગ રાખ્યો છે. 2022 બર્મિંગહામ ગેમ્સમાં ભારતે 61 મેડલ કબજે કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વખતે ઘણી
રમતો સામેલ ન થતાં ચંદ્રકોના સરવૈયામાં ભારત પાછળ દેખાઇ રહ્યું છે, પણ આપણા ખેલાડીઓનો જુસ્સો બુલંદ છે. હવે પછીની
કોમનવેલ્થ ગેમ્સ 2030માં અમદાવાદમાં
યોજાશે.