• શુક્રવાર, 31 જુલાઈ, 2026

જન્મદિવસે જનસેવાનાં કાર્યો થકી સમાજસેવાનો સંદેશ

અંજાર, તા. 30 : ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય  અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ ગોપાલભાઈ આહીરે પોતાના 69મા જન્મદિવસની ઉજવણી આડંબર કે ઔપચારિક સમારંભોથી દૂર રહી વિવિધ સેવાકીય, ધાર્મિક અને જનસેવાના કાર્યક્રમો દ્વારા કરી સમાજને સેવા અને સમર્પણનો અનોખો સંદેશ આપ્યો હતો. - વિવિધ મંદિરોમાં પૂજા : શ્રી આહીરે જન્મદિવસની શરૂઆત અંજાર સચ્ચિદાનંદ મંદિરે ઠાકોરજીનાં દર્શન-પૂજન કરી મહંત ત્રિકમદાસજી મહારાજનાં આશીર્વાદ લીધાં હતાં ત્યારબાદ તેમણે વિવિધ મંદિરોમાં દર્શન, પૂજા અને આરતી કરી રાજ્ય તથા દેશના સુખ-સમૃદ્ધિ અને સર્વજનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમના  કાર્યાલય મધ્યે સવારથી જ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વિવિધ રાજકીય અને બિનરાજકીય હોદ્દેદારો, વિવિધ સેવાકીય, વેપારી અને ધાર્મિક સંસ્થાના આગેવાનો, પીજીવીસીએલના વિવિધ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. - રાજ્યની 16 જિલ્લા  હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ : આ પ્રસંગે માધાપર  વૃદ્ધાશ્રમમાં વડીલોને સન્માનપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. ઉપરાંત અંજાર, ભુજ, ગાંધીધામ, આદિપુર, ભચાઉ સહિત રાજ્યના કુલ 16 જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળોનું વિતરણ કરીને તેમના આરોગ્યલાભ માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી. - કુમારિકાઓને ભોજન અપાયું : અંજારની અહલ્યા કન્યા છાત્રાલય તથા ભુજોડી  આહીર કન્યા છાત્રાલયમાં કુમારિકાઓને ભોજન પીરસાયુ  હતું તેમજ અંજાર મોડેલ સ્કૂલમાં પૂર્વ રાજયમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા સાથે વિદ્યાર્થીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા કરી હતી.         વધુમાં અંજાર શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારો તથા બાળકોને મીઠાઈ, કપડાં અને રમકડાંનું વિતરણ કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. - અમરેલી-મહુવામાં રક્તદાન  કેમ્પ યોજાયા : અમરેલી, મહુવા અને ભાવનગરમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા અને માનસિક અસ્થિર દર્દીઓને ત્રણ સમયનું ભોજન કરાવાયુ હતું. ઉલ્લેખનીય છે કે, સતત 26 વર્ષથી ગાંધીધામ સ્થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત સંસ્થામાં  વાસણભાઈ આહીરના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ ગાયત્રી હવન   કરાયો હતો  અને અનાથ બાળકોને ભોજનનાં નવા વ્યંજનો પીરસાયાં હતાં - સમાજસેવા અને રાષ્ટ્રસેવા જીવનનો ધ્યેય : જનસેવા, સમાજસેવા અને રાષ્ટ્રસેવાને પોતાનાં જીવનનો ધ્યેય માનનારા તથા પરોપકારના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેલા પૂર્વ રાજ્યમંત્રી શ્રી આહીરને જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક, ધાર્મિક તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકરો, શુભાચિંતકો અને સ્નેહીજનોએ રૂબરૂ તથા અન્ય માધ્યમો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. દિવસભર શુભેચ્છાઓ, સન્માન અને ભેટ-સોગાદો સાથે સ્નેહ વરસાવવા બદલ  વાસણભાઈએ  સૌ સ્નેહીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. દિવસભર વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરિવારના ત્રિકમભાઈ આહીર, રણછોડભાઈ આહીર, નવઘણભાઈ આહીર, હર્ષભાઈ આહીર, ગોપાલભાઈ માતા, અરજણભાઈ માતા, દીપકભાઈ પલણ, અશોકભાઈ પલણ,   પી. એન. સાવનાની, રાજુભાઈ પલણ, વસંતભાઈ પટેલ, હરિભાઈ આહીર, સુરેશભાઈ ગજ્જર, મહાદેવભાઈ માતા સહિતનાઓએ સહકાર આપ્યો હતો.  

Panchang

dd