તેહરાન, તા. 30 : ઈરાને હવે પોતાના જ ઈન્ટરનેશનલ
પાર્ટનર ચીનની ફર્મ પર કુવૈતમાં હુમલો કર્યો છે. કુવૈતની સેનાએ જણાવ્યું કે ગુરુવારે
સવારે ઈરાનના હુમલામાં ઉત્તરી કુવૈતમાં એક ચીની કંપનીની ઈમારતને નિશાન બનાવવામાં આવી, જેનાથી ઈમારત અત્યંત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને
એક કર્મચારીનું મોત થઈ ગયું. આ ઘટના જોર્ડનના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઈરાનથી છોડવામાં
આવેલી પાંચ મિસાઈલોને પાડી પાડવામાં આવ્યાના થોડા કલાકો પછી બની છે. અમેરિકી સેનાએ
કહ્યું કે તેણે ઈરાન વિરુદ્ધ હુમલાનો એક મોટો તબક્કો પૂર્ણ કરી લીધો છે. એવે સમયે જ
આ હુમલો થયો છે. આ હુમલા જોર્ડનમાં અમેરિકન અડ્ડા પર ઈરાન દ્વારા અગાઉ કરવામાં આવેલા
મિસાઈલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં
કહ્યું કે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ડઝનબંધ ઠેકાણાઓ પર હુમલા કર્યા.
તેમાં મિલિટરી કમાન્ડ સેન્ટર, મિસાઇલ અને ડ્રોન ફેસિલિટી,
અને દરિયાકાંઠાની નિરીક્ષણ તથા ડિફેન્સ સાઇટ્સ સામેલ હતી. જોર્ડનની સરકારી
સમાચાર એજન્સી પેટ્રાએ દેશની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું કે જોર્ડન દ્વારા
મિસાઈલોને રોકવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી.
ઈરાન યુદ્ધ વચ્ચે ચીન અને ઈરાનના સંબંધો સંતુલિત રહ્યા છે. પરંતુ આ દરમિયાન
કુવૈતમાં ચીની કંપની પર ઈરાનનો હુમલો બન્ને દેશના સંબંધોને તણાવપૂર્ણ બનાવી શકે છે.
કૂટનીતિક રીતે ચીને અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓની નિંદા કરી, ઈરાનની
સાર્વભૌમત્વ અને સુરક્ષાનું સમર્થન કર્યું અને યુદ્ધવિરામની અપીલ કરી હતી.