• શુક્રવાર, 31 જુલાઈ, 2026

વ્રજવાણી : પાણીની રજૂઆત બાબતે મનદુ:ખ રાખી સરપંચ જૂથનો હુમલો

ગાંધીધામ, તા. 30 : રાપરના વ્રજવાણીમાં પીવાનાં પાણી અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા બાબતે મનદુ:ખ રાખી ગામના સરપંચ સહિત છ શખ્સે હુમલો કરતાં પિતા-પુત્રને ઇજાઓ પહોંચી હતી. વ્રજવાણી ગામમાં રહેતા ફરિયાદી મોહન વેરા ચાવડા અને તેના પિતા વેરાભાઇ ગઇકાલે સવારે બાઇકથી ખેતરેથી પોતાના ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે વોકળામાં ઇશ્વર અખઇ ગારિયા, માદેવા દેવરાજ ગારિયા બાઇક ધોઇ રહ્યા હતા ત્યારે ફરિયાદીએ બાજુએ હટવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી, ઝપાઝપી થઇ હતી. બાદમાં આ શખ્સોએ પોતાના પરિવારજનોને ફોન કર્યો હતો. દરમ્યાન, ફરિયાદી અને તેના પિતા બાઇકથી ગણેશા સામતા ગરિયાના ઘર આગળ પહોંચતાં ત્યાં ટ્રેક્ટર આડું રાખેલું હોઈ ફરિયાદીએ બાઇક ઊભું રાખ્યું હતું. તેવામાં રવા અજમલ ગારિયા, ગણેશા સામતા ગારિયા, પ્રવીણ વીરભાણ ગારિયા, રમેશ ભારમલ ગારિયા લોખંડની કોસ વડે ત્યાં આવી આ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. થોડીવારમાં ખેતરેથી ફરિયાદીનો ભાઇ ત્યાં આવતાં આ શખ્સોએ તેને પણ માર માર્યો હતો. ઘવાયેલા પિતા-પુત્રને પ્રથમ રાપર અને બાદમાં રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા. પીવાનાં પાણી મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆતો બાદ ગણેશ ગારિયાએ ફોન કરી ગાંધીનગર સુધી રજૂઆત ન કરવા કહ્યું હતું. ત્યારે પણ બોલાચાલી થઇ હોવાનું બાલાસર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું. 

Panchang

dd