• શુક્રવાર, 31 જુલાઈ, 2026

પેપર લીક કાયદાના અમલ માટે કેસની મજબૂતાઇ જરૂરી

લોકસભામાં પરીક્ષાના પેપર લીક વિરોધી ખરડાને પસાર કરાવીને સરકારે નીટ પરીક્ષાના મામલે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) નેજા હેઠળના આંદોલનકારીઓને આપેલાં વચનનું પાલન કરી બતાવ્યું છે.  જંતરમંતર પરનાં આંદોલનને સમેટવાના બદલામાં અપાયેલાં વચનના પાલનમાં સરકારે ભારે ઝડપ બતાવી છે. પરીક્ષાના પેપર લીક વિરોધી આ ખરડાનો તાબડતોબ મુસદ્દો તૈયાર કરીને તેને લોકસભામાં અસાધારણ ઝડપે પસાર કરાવીને સરકારે પોતાની વચનબદ્ધતા બતાવી આપી છે. લોકસભાએ બુધવારે લોક પરીક્ષા (ગેરરીતિ નિવારણ) સુધારા ખરડો 2026 પસાર કર્યો હતો. સરકારે ચાવીરૂપ પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવવસ્થાને સુધારવાના ઉદ્દેશ સાથે આ ખરડો લાવીને આવી છે. પરીક્ષાનાં પેપર લીક કરનારાને દસ વર્ષની કેદ અને એક કરોડ રૂપિયાના દંડની સજાની જોગવાઈ ધરાવતા આ ખરડાથી આવા અસામાજિક તત્ત્વોમાં ભય ઊભો થશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.  વક્રતા એ છે કે, નવા ખરડા પર લોકસભામાં ચર્ચા દરમ્યાન શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને તેમાં ખામીઓને દૂર કરવાનાં સૂચન સંસદ સભ્યો પાસેથી આવશે એવી અપેક્ષા કમનસીબે ફળીભૂત થઈ શકી નહીં. સામાન્ય પ્રણાલી એવી રહેતી હોય છે કે, કોઈપણ ખરડા પરની ચર્ચામાં તેમાં કોઈ ખામી હોય તો તેમાં સુધારની હિમાયત થતી હોય છેપણ આ વખતે ખરડા પરની ચર્ચામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેના વિવાદે આ જવાબદારી વિસરાવી દીધી હતી. મોટાભાગે સંસદમાં કોઈપણ ચર્ચા દરમ્યાન મૂળ મુદ્દાને વિસરી જઈને અન્ય બાબતો પર સરકારની સામે આરોપો મૂકતા રહેતા વિપક્ષી સભ્યો પેપર લીક ખરડામાં પણ તેનું પુનરાવર્તન કરીને આ મહત્ત્વની ચર્ચાને આડે પાટે ચડાવી દીધી હતી. જો કે, હવે આ ખરડો લોકસભાએ પસાર કરી દીધો છે અને રાજ્યસભાએ પણ પસાર કરી દેતાં પેપર લીક કરનારા સામે કડક સજાની જોગવાઈનો કાયદો બની જશે.  મહત્ત્વની બાબત એ છે કે, અત્યારે પણ આવો કાયદો અમલી છે અને તેમાં હવે સજા વધારવાની જોગવાઈ કરાઈ છે.  સરકારે લોકસભામાં સ્વીકાર કર્યો છે કે, આ સંદર્ભનો કાયદો એમ તો છેક 2024થી અમલી છે. તે પછી પણ પેપર લીકની પ2 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.  હવે આ રોકવા સુધારા ખરડો લવાયો હોવાનું સરકારે લોકસભામાં સ્વીકાર્યું છે. જો કે, એક વાત ગંભીર છે કે, આવો ખરડો હોવા છતાં પેપર લીક થયાં હતાં ત્યારે હવે નવા કાયદાને વધુ અસરકારક  બનાવવા માટે સરકારે હવે ખાસ વ્યવસ્થા ઊભી કરવા પર પણ ધ્યાન આપવાની જરૂરત રહેશે. પેપર લીકના કોઈપણ કેસમાં જવાબદારોને મજબૂત પુરાવા સાથે ઝડપી લઈને તેમની સામે કોઈપણ છટકબારીની તક વગરનો કેસ તૈયાર કરવા માટે સક્ષમ તંત્ર અનિવાર્ય બની જાય છે.  મજબૂત પુરાવા સાથેનો કેસ હશે તો જ ગુનેગારોને કડક સજાનો કાયદો કામ લાગી શકશે.  હાલે કાયદો હોવા છતાં ગુનેગારો છટકબારી શોધી લેતા હોય છે તે રોકવા માટે પણ પૂરતી કડકાઈ જાળવવી કાયદા જેટલી જ જરૂરી છે. આમ થશે તો પેપર લીકના દોષીઓમાં કાયદાનો સાચો ડર ઊભો થશે.   

Panchang

dd