• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ગુજરાત પર તોળાતો અતિભારે વરસાદ

અમદાવાદ, 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત માટે આગામી 4 દિવસ આફત સમાન છે. હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી પાંચ મહત્વની હવામાન સિસ્ટમ સક્રિય છે ત્યારે આગામી 31 જુલાઈથી 2 અૉગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની તથા શનિવારે અમુક સ્થળે ભારે વરસાદની આગાહી છે.  નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગઇકાલે 1 ઓગસ્ટે અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં  અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જ્યારે આજે નવેસરથી જારી કરાયેલ આગાહીમાં 2 ઓગસ્ટે અમદાવાદ સહિત આણંદ તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. દરમિયાનમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 27 તાલુકાઓમાંથી ફક્ત વલસાડના કપરાડામાં 1 ઇંચથી વધુ બાકીના તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.  ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-એસઇઓસી ખાતે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં અસર થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સીધો સંવાદ સાધ્યો હતો. સમીક્ષા બાદ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24ડ્ઢ7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ)ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અધિક મુખ્ય સચિવે કહ્યું છે કે, સ્થાનિક સ્તરે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા કલેક્ટરઓ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકશે. 

Panchang

dd