પેપર લીક પછી માઈલેજ લીકને મોટો મુદ્દો બનાવવાની દિશામાં હિલચાલ
શરૂ થઈ છે. 16મી મેએ સોશિયલ મીડિયા મંચ પર શરૂ થયેલી
કોકરોચ જનતા પાર્ટીએ શરૂ કરેલાં આંદાલનને પગલે પચીસમી જુલાઈએ કેન્દ્રના શિક્ષણપ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું. હવે, ઈ-20 જનતા પાર્ટી નામથી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખુલ્યાં છે અને
તેના ત્રણેક લાખ ફોલોઅર તો જોતજોતાંમાં થઈ ગયા છે. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલના બ્લેન્ડિંગનો
વિરોધ તથા 100 ટકા મિશ્રણરહિત પેટ્રોલ ઓછા
દરે મેળવવાની પસંદગી ગ્રાહકોને હોવી જોઈએ એવા મુદ્દા સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનાં
રાજીનામાંની માગણી થવા લાગી છે. દિલ્હીના જંતરમંતર અને મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે
યોજાયેલાં આંદોલનોમાં નીતિન ગડકરીનાં રાજીનામાંની માગણી કરતાં સૂત્રોચ્ચાર અને બેનર
દેખાયાં હતાં, હવે ઓનલાઈન ચળવળ શરૂ થઈ
છે. સીજેપીના અનુભવ પછી મોદી સરકાર આ નવા પક્ષને હળવાશથી નહીં જ લે. ઈ-20 પેટ્રોલના ઉપયોગથી વાહનના માઈલેજમાં
ઘટાડો નોંધાય છે તથા એન્જિનને નુકસાન પહોંચે છે એવા દાવા છેલ્લા થોડા સમયથી થઈ રહ્યા
છે અને સરકારે આ દાવાઓનું ખંડન કર્યું હોવા છતાં આ પ્રચાર અટકી રહ્યો નથી. વળી, સોશિયલ મીડિયા પર એવો દુપ્રચાર પણ શરૂ થયો છે
કે, નીતિન ગડકરીના પુત્ર સાથે સંકળાયેલી કંપનીને ઈ-20ના બ્લેન્ડિંગથી ફાયદો પહોંચે એ માટે આ
નીતિ લાવવામાં આવી છે. ગડકરીએ આ દુપ્રચાર, ડીપફેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવેલા વીડિયો દ્વારા થઈ રહેલી બદનામી
બાબતે મેટા, એક્સ કોર્પ તથા ગૂગલ એલએલસી જેવા ટેક જાયન્ટ્સ તથા
અન્યો સામે ફોજદારી દાવો નોંધાવવાની માગેલી પરવાનગી બોમ્બે હાઈકોર્ટે બહાલ કરી છે.
લોકતાંત્રિક રીતે દેશના નાગરિકોને પોતાની વાત મૂકવાનો અને સરકારની નીતિઓ-નિર્ણયોનો
વિરોધ કરવાની છૂટ છે, પણ વિરોધ પ્રદર્શન, આંદોલનો અને લોકજુવાળ ઊભો કરી તેની આડમાં દેશવિરોધી એજેન્ડા ચલાવવાની છૂટ કોઈને
પણ ન હોઈ શકે. હવે ઈ-20નાં નામે
અરાજકતા ફરી ફેલાવવાનો કારસો રચાઈ રહ્યો હોય એવું લાગે છે. માઈલેજમાં ઘટાડાની વાત સાચી
હોય તો સરકારે સમયસર આ દિશામાં પારદર્શકતા સાથે આગળ વધવું જોઈએ અને આ વાતમાં વજૂદ ન
હોય તો એ વિશે પણ લોકોને માહિતગાર કરવા જોઈએ. બ્રાઝિલ ઈથેનોલનો સ્વીકાર કરનારા શરૂઆતી
દેશોમાંથી એક છે અને ત્યાં અનેક દાયકાઓથી બ્લેન્ડેડ પેટ્રોલ સાથે 100 ટકા પેટ્રોલ પણ ઉપલબ્ધ છે અને
પસંદગીનો અધિકાર નાગરિકોને છે. આથી, ફરજિયાતપણે ઈ-20ના ઉપયોગના
સરકારના આગ્રહ સામે વિરોધ છે. વળી, ગડકરી ઈ-20ને પ્રમોટ
કરવામાં સૌથી આગળ છે, આથી દુપ્રચાર
શરૂ થયો કે તેમના પુત્રની કંપનીને આનાથી આર્થિક લાભ થાય એમ છે. ગડકરીએ સોશિયલ મીડિયા
પર થઈ રહેલા આ દુપ્રચાર બાબતે અદાલતમાં ધા નાખી છે. જો કે, હાલના
અનુભવો પરથી સરકારે આ મોરચે ધીમી ધારે આગળ વધવાનો વિકલ્પ રાખવો આવશ્યક છે.