• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ભચાઉ તાલુકામાં ખેડૂતો-કંપની સાથે વિશ્વાસઘાત અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના આંબલિયારા, વોંધ, જંગી ગામની સીમમાં પાવરગ્રીડ, વેસ્ટ સેન્ટ્રલ ટ્રાન્સમિશન લિ. કંપનીની નવી લાઇનનાં નિર્માણની કામગીરી દરમ્યાન ખેડૂતો, કંપની સાથે વિશ્વાસઘાત, ગેરરીતિનો બનાવ સામે આવ્યો હતો. સામખિયાળી પોલીસ મથકે કમાણી એન્જિનીયરિંગ કંપનીના કર્મચારી યોગેશ દેશમુખ સામે ગુનો દર્જ થયો હતો. સની વીરસિંહ સક્સેના જે પાવરગ્રીડ કંપનીમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ આ કંપની દ્વારા ખાવડા-નાગપુર 800 કે.વી. હાઇવોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (એચ.વી.ડી.સી.) લાઇનનું કામ ચાલુ છે, જેમાં ખીરસરા (અંજાર)થી હળવદ (ચિત્રોડ) સુધીની લાઇન નિર્માણનું કામ સબકોન્ટ્રાક્ટ તરીકે કે.ઇ.સી. (કમાણી એન્જિનીયરિંગ કંપની)ને સોંપવામાં આવ્યું છે. આ લાઇનના કામકાજ દરમ્યાન ખેડૂતોના ખેતરમાં થતી નુકસાનીના વળતર માટે પાવરગ્રીડ કંપની દ્વારા ગાંધીધામ ખાતેથી ખાસ નોટિસબુક પ્રિન્ટ કરાવવામાં આવી હતી, જે આપવાની સત્તા માત્ર  પાવરગ્રીડના અધિકૃત કર્મચારીઓને જ હતી. કે.ઇ.સી. કંપની તરફથી કામ સંભાળતા યોગેશ દેશમુખને ખેડૂતો સાથે ઓળખ કરાવવા માટે પાવરગ્રીડના અધિકારીઓ સાથે સાઇટ મુલાકાત વેળાએ લઇ જવાતો હતો. દરમ્યાન ગાડીમાં રહેતી ચાલુ નોટિસબુકનો ગેરફાયદો ઉઠાવીને યોગેશ પોતાની પાસે કોઇ સત્તા ન હોવા છતાં ખોટી રીતે આંબલિયારામાં 8 નોટિસ, 2 નુકસાની પ્રમાણપત્ર, જંગીમાં પાંચ નોટિસ, વોંધમાં બે નોટિસોમાં પોતાની સહી કરી, ખોટી અને મોટી રકમ લખી હતી અને ખેડૂતો તથા કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ગેરરીતિની જાણ તા. 27/1થી 21/2 દરમ્યાન થતાં પ્રાથમિક તપાસ બાદ આ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. 

Panchang

dd