મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો જંગ સતત લંબાઈ રહ્યો
છે, તેની વચ્ચે આ વિસ્તારમાં સાઉદી અરેબિયા અને
હૂતિ બળવાખોરો વચ્ચે સંઘર્ષનો એક નવો મોરચો ખૂલી રહ્યો હોય એવાં અંઁધાણ મળી રહ્યાં
છે. ઈરાનને અમેરિકા સામેના જંગમાં પ્રત્યક્ષ રીતે ટેકો આપતા રહેલા યમનના હૂતિ બળવાખોરોની
સાઉદી અરેબિયા અને અમેરિકા સાથેની દુશ્મની નવી નથી. હૂતિ બળવાખોરો મધ્ય-પૂર્વમાં શક્તિશાળી
સશત્ર તાકાત ધરાવે છે. લાલ સાગરમાં સાઉદી અરેબિયાના એક માલવાહક જહાજ પર ગયા સપ્તાહે
હુમલો થયા બાદ હવે સાઉદી અને હૂતિ દળો વચ્ચે સીધો સંઘર્ષ શરૂ થઈ ગયો છે. પોતાના માલવાહક જહાજ પર હુમલો થયા બાદ સાઉદી અરેબિયાએ
હૂતિઓના નિયંત્રણ હેઠળના હેદૈદાહ શહેર પર ભારે હવાઈ હુમલો કર્યો હતો. કહેવાય છે કે,
સાઉદી દળોએ આ હુમલામાં અમેરિકન બનાવટના આધુનિક એફ-3પ વિમાનોનો ઉપયોગ કર્યો હતો, તે પછી તરત જ હૂતિઓએ સાઉદી અરેબિયાને ચેતવણી
આપી હતી કે, તેમણે નરકના દરવાજા ખોલી નાખ્યા છે. લાલ સાગરમાં
હૂતિઓએ વણજાહેર નાકાબંધી અમલી બનાવી છે. હવે તેઓ દાવો કરે છે કે, સાઉદી અરેબિયાના બંદરેથી માલ લાવતા હોવાને લીધે આ જહાજોને નિશાન બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે, હૂતિ બળવાખોરો યમનના જંગમાં સાઉદીને મુખ્ય પક્ષકાર ગણે છે. તેમનો આરોપ એવો
રહ્યો છે કે, સાઉદી લશ્કરની કાર્યવાહીથી યમનમાં ભારે નુકસાન પહોંચ્યું
છે. આ કારણે તેઓ સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક આર્થિક હિતોને નિશાન બનાવી રહ્યા છે. લાલ સાગર દુનિયાના ચાવીરૂપ જળમાર્ગોમાંથી એક છે
અને તેના પર હૂતિઓ સરળતાથી હુમલા કરી શકે છે.
મુસ્લિમોમાં યમનના લઘુમતી જૈદી શિયા સમુદાયના હૂતિ બળવાખોરો એક મજબૂત સશત્ર
સંગઠન છે. છેક 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો
કર્યો તે પછી હૂતિઓએ અમેરિકા અને ઈઝરાયલની સાથે દુશ્મનીનું વલણ લીધું હતું. આ ઉપરાંત
હમાસ અને હિઝબુલ્લા જેવા જૂથોના ઈરાન તરફી એક્સિસ ઓફ રજિસ્ટેન્સમાં પણ હૂતિ જૂથ સામેલ
છે. આમ ઈરાનને સમર્થન અને અમેરિકા તથા તેના સાથી દેશો સાથે દુશ્મનીનું વલણ ધરાવતા હૂતિઓ
સતત હુમલા કરીને પોતાની હાજરી દુનિયામાં નોંધાવતા રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૂતિઓને જહાજો
પર હુમલા ન રોકાય તો મોટી લશ્કરી કાર્યવાહીની ધમકી આપી છે. સાઉદી અરેબિયાએ હુમલા પણ
કર્યા છે. આમ હવે સ્ફોટક મધ્ય-પૂર્વ વિસ્તારમાં
એક નવો મોરચો ખૂલે એવાં અંઁધાણ મળી રહ્યાં છે. આમ થાય તો લાલ સાગરમાં જહાજી વ્યવહાર
પર સીધી અસર પડે તેમ છે. સાથોસાથ ક્રૂડતેલની
કિંમતોમાં ઉછાળાનું વધુ એક કારણ ઊભું થતાં દુનિયાના અર્થતંત્ર પર અમંગળનો વધુ એક ઓછાયો
તોળાઈ રહ્યો છે.