• શુક્રવાર, 31 જુલાઈ, 2026

એન્ટિ પેપર લીક અને વંદે માતરમ્ ખરડા હવે કાયદા બનશે

રાજ્યસભામાં શાબ્દિક યુદ્ધ બાદ વિરોધપક્ષના સભાત્યાગ વચ્ચે પરીક્ષા સુધારા વિધેયક બહાલ : રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાશે : નવી દિલ્હી, તા. 30 : પથ્થરમારો, પેલેટ ગન, દેશભરમાં આક્રોશ, અનશન, આંદોલન, સંસદમાં ભારે ધમાલ વચ્ચે આખરે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ગુરુવારે પેપર લીકના અપરાધને રોકતો સંશોધન ખરડો પસાર થઈ ગયો હતો. જો કે, કેન્દ્ર સરકાર વતી જવાબ આપવા કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહ ઊભા થયા કે તરત વિપક્ષના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા. સંસદના બન્ને ગૃહમાં બહાલી બાદ આખરે પરીક્ષા સુધારાલક્ષી પેપર લીક સુધારા વિધેયક કાયદો બનવાનો માર્ગ ખૂલી ગયો છે. ચોમાસું સત્રમાં લાંબી ચર્ચાના અંતે લોકસભામાં પણ પેપર લીક સુધારા વિધેયક પસાર થઈ ગયું છે. જો કે, વિધેયક ધ્વનિમતથી પસાર થવા પહેલાં ગૃહમાં ખરડા પર ચર્ચા દરમ્યાન સત્તારૂઢ પક્ષ અને વિપક્ષી છાવણી વચ્ચે ગુરુવારે ભીષણ શબ્દયુદ્ધ જામ્યું હતું. લગભગ સાત કલાકની ભારે ઉગ્ર ચર્ચાના અંતે કેબિનેટ અને રાજ્યસભા બાદ પેપર લીક સુધારા ખરડાને લોકસભાની પણ લીલીઝંડી મળી ગઈ છે. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળતાંની સાથે આ ખરડો વિધિવત કાયદાનું રૂપ ધારણ કરી લેશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ વિધેયક જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોનું નિયમન) સુધારા કાયદો-2026 બની જશે. અધિનિયમને ભારતનાં રાજપત્રમાં પ્રકાશિત કરાશે, જેમાં એ પણ સ્પષ્ટ કરાશે કે, કાયદો તરત લાગુ થશે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું જારી કરીને લાગુ કરાશે. સભાપતિએ જિતેન્દ્રસિંહને સરકારનો પક્ષ રાખવા બોલાવ્યા તો વિપક્ષના સાંસદો વોકઆઉટ કરી ગયા હતા. તમામ વિપક્ષી સાંસદોએ `ગૃહમંત્રી ગૃહમાં આવો'ના નારા લગાવતાં વોકઆઉટ કર્યું હતુ. ગૃહના નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વિપક્ષ મુદ્દાવિહીન થઈ ગયો છે. આજે પોતાના કરતૂતોથી તેમણે એ સાબિત કરી આપ્યું છે કે, તેમની પાસે કોઈ મુદ્દો જ રહ્યો નથી. વિપક્ષે વોકઆઉટ કરીને બળથી કીધું કે, તેમનો લોકતંત્રમાં કોઈ ભરોસો નથી. - લોકસભામાં પણ `વંદે માતરમ્' પર ધ્વનિમતથી મહોર : જન ગણ મન જેમ કાનૂની સુરક્ષા મળશે : વિપક્ષનો ભારે હંગામો  : નવી દિલ્હી, તા. 30 : રાજ્યસભા બાદ લોકસભામાંથી પણ વંદે માતરમ્ બિલ પસાર થયું છે. વિપક્ષના હંગામા છતાં બન્ને સદનમાંથી ખરડો પસાર થઈ જતાં હવે તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ ખરડો સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ લેશે.  વંદે માતરમ્ બિલ બુધવારે રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર થયું હતું, જ્યારે 30મી જુલાઈના ગુરુવારે લોકસભામાં ખરડાને પસાર કરાવવામાં આવ્યો હતો. વંદે મારતમ્ કાયદો બન્યા બાદ હવે રાષ્ટ્રીય ગીતને પણ રાષ્ટ્રગાન જન ગણ મન જેવી જ કાનૂની સુરક્ષા મળશે. નવો કાયદો લાગુ થતાં વંદે માતરમ્નું અપમાન અપરાધ ગણવામાં આવશે, જેના માટે ત્રણ વર્ષ સુધી જેલ અથવા દંડ થઈ શકે છે. આવી જ સજા રાષ્ટ્રગાનના અપમાન બદલ કરવામાં આવે છે.  ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. સરકાર અનુસાર રાષ્ટ્રીય ગીતની ગરીમાની રક્ષા માટે કાયદાની જરૂરિયાત છે. આ ગીતે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

Panchang

dd