પેપર લીકની `લડાઈ' હવે જંતર-મંતરથી
ભારતની સંસદમાં `િશફ્ટ' થઈ છે, શરૂ થઈ છે! વિદ્યાર્થીઓના
આંદોલનમાં હિંસાચાર શરૂ થયા પછી મોદી સરકારે સમાધાનના પ્રયાસ કર્યા અને પેપર `લીક'
ફોડનારા ઉપર સખત કાનૂની કાર્યવાહીની ખાતરી આપી. નવા કાયદામાં 10 વર્ષ સુધીની સજા અને કરોડ રૂપિયાના
દંડની જોગવાઈ તથા ન્યાયમાં વિલંબ થાય નહીં તે માટે વિશેષ અદાલતોમાં કાર્યવાહી કરવાની
જાહેરાત પણ કરી. આ તમામ ખાતરી - જાહેરાતોને કાયદાનું સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવ લોકસભામાં
રજૂ થયો. શિક્ષણપ્રધાન ધર્મેન્દ્રના રાજીનામા પછી વિપક્ષોનું આગમન લોકસભામાં થયું.
પ્રસ્તાવ ઉપર ચર્ચા માટે છ કલાક નક્કી થયા હતા તે વધારીને આઠ કલાકનો સમય નક્કી થયો, જેથી સભ્યો પોતાના વિચાર રજૂ કરી શકે. લોકસભામાં
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ઠરાવ રજૂ કરતાં જ્યારે કહ્યું કે, 2009, 2011 અને 2013માં પણ પેપર ફૂટયાં હતાં, પણ તત્કાલીન યુપીએ સરકારે નવેસરથી પરીક્ષા યોજવાની
માગણી ફગાવી દીધી હતી - ભાજપ સરકાર આવી ત્યારથી શિક્ષણ અને પરીક્ષામાં સુધારા કરવાના
પ્રયાસ થઈ રહ્યા છે, પણ વિપક્ષનો સહકાર મળતો નથી - આટલું કહેતાં
જ ગૃહમાં હો-હા ઘોંઘાટ શરૂ થયો અને તે પછી પ્રિયંકા ગાંધી વડરા, અખિલેશ યાદવ તથા મમતા બેનરજીના ભત્રીજા-અભિષેક બેનરજીએ સરકાર ઉપર ટીકા પ્રહાર
શરૂ કર્યા. વિપક્ષી નેતાઓનો મુખ્ય સૂર વિદ્યાર્થીઓ ઉપર પોલીસ - `દમન'ના વિરોધમાં હતો. મુખ્ય નિશાન ગૃહપ્રધાન અમિત શાહ ઉપર હતું. અખિલેશ યાદવે ઇમર્જન્સીની
યાદ અપાવી કે દમનનું પુનરાવર્તન થયું છે. 1975ની ઇમર્જન્સી ઇન્દિરા ગાંધીએ નાખી હતી તેથી કોંગ્રેસના વક્તા
અને સભ્યો અખિલેશના સૂરમાં સૂર પુરાવી શકે નહીં,
પણ બેસૂરો વિરોધ કર્યા સિવાય છૂટકો નથી. પ્રિયંકા ગાંધી વડરાએ સરકાર
ઉપર પ્રહાર કર્યા અને પૂછયું કે, શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે?
એમના ઉપર ટીયર ગેસ, લાઠીચાર્જ અને કહેવાતા `પેલેટ ગન'ના ગોળીબાર કરવાના આદેશ કોણે આપ્યા હતા?
સંસદમાં ધારણા મુજબ શાસક-વિપક્ષ સભ્યો વચ્ચે ગરમાગરમ વાક્યુદ્ધ શરૂ થયું
છે. પ્રિયંકા ગાંધીએ પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવવા સામે નારાજગી વ્યક્ત કરતાં
કહ્યું કે, બિલ્કીશ બાનુના ગુનેગારોનો બચાવ કરનારાને ભાજપે શિરપાવ
આપ્યો છે. કિરણ રિજ્જુ, અનુરાગ ઠાકુર, બાંસૂરી
સ્વરાજે કોંગ્રેસ પર વળતા પ્રહાર કરવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. આવતીકાલે રાહુલ ગાંધીની
એન્ટ્રી સાથે ચર્ચા વધુ ગરમ બનશે એમ જણાય છે. મોદી સરકારે વિદ્યાર્થી આંદોલનના નિરીક્ષણ
માટે સફળ પ્રયાસ કરીને ભવિષ્યમાં આવી ઘટના થાય નહીં તે માટે કાયદો લાવવાનો નિર્ણય લીધો
છે, તેથી શાંતિની આશા છે, પણ વિપક્ષોનો
વ્યૂહ વિવાદ ચાલુ રાખવાનો છે, તેથી આંદોલનમાં થયેલા હિંસાચારનો
મામલો સુપ્રીમ કોર્ટમાં હોવા છતાં સંસદમાં સરકારી ઠરાવનું સમર્થન કરવાને બદલે માત્ર
પોલીસ દ્વારા થયેલા દમન - `િહંસાચાર'નો મુદ્દો
કેન્દ્રમાં રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે! નિશાના ઉપર મોદી અને અમિત શાહ છે. અખિલેશ યાદવે
તો કહી દીધું કે, શિક્ષણપ્રધાનનું રાજીનામું વડાપ્રધાનને બચાવવા
માટે લેવાયું છે! હિંસાની ઘટનાઓ દેશઆખાએ ટીવી ઉપર જોઈ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ
પણ સ્પષ્ટ કહ્યું છે કે, વિદ્યાર્થીઓ હોય કે પોલીસકર્મી - કોઈના
ઉપર હિંસા ચલાવી લેવાય નહીં. હવે દેશભરમાં વિરોધ આંદોલનોમાં કાયદો જાળવવા કેવા ઉપાય
કરવા અને પોલીસને ખાસ તાલીમ આપવાના નિયમ ઘડાવાની શક્યતા છે.