ઈરાન અને અમેરિકાની વચ્ચે આખરે શાંતિ માટે સહમતી સધાઈ ગઈ છે.
લગભગ 14 મુદ્દાને આવરી લેતી આ સહમતીમાં
જંગની સમાપ્તિ બાદ દુનિયાની માટે મહત્ત્વની બાબત હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગને
ખોલવાની છે. 108 દિવસ બાદ સધાયેલી આ સમજૂતીથી
ખાડી વિસ્તારના દેશો પર તોળાતી તારાજીની ભીતિનો અંત આવશે, તેની સાથોસાથ ક્રૂડતેલના પુરવઠા માટે ચાવીરૂપ
આ વિસ્તારમાંથી ફરીવાર વિશ્વની ઈંધણની કટોકટીનો અંત આવશે અને ભડકે બળતા ક્રૂડના ભાવો
નીચા આવશે. જો કે, બન્ને દેશ વચ્ચે અવિશ્વાસના સ્ફોટક માહોલમાં
આ સમજૂતી ટકી રહેવા અંગે અત્યારથી સંશય વ્યક્ત થઈ રહ્યો છે અને અંદેશા પ્રમાણે જ સમજૂતી
પર હસ્તાક્ષર થાય એ પહેલાં જ માહોલ થોડો ડહોળાઇ ગયો છે. ધૂંધવાયેલા ઇઝરાયલે લેબેનોન
પર ભીષણ હુમલા કર્યા છે. ઇરાનની શરત છે કે, સંધિના ભાગરૂપે લેબેનોન
પર કાર્યવાહી બંધ થવી જોઇએ પણ નેતન્યાહુ માનવા તૈયાર નથી. ટ્રમ્પે પણ ઇઝરાયલને આડકતરી
ચીમકી આપી દીધી છે. હાલે તો વિશ્વમાં ભારે રાહત જગાવનાર ઈરાન અને અમેરિકા વચ્ચેની સમજૂતીથી
ક્રૂડતેલના વૈશ્વિક પુરવઠાને યથાવત્ કરી શકાશે.
વિશ્વની ઊર્જા બજારમાં ભાવવધારાનાં દબાણને આ સમજૂતી હળવું કરી શકશે. ઈંધણની
પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધિથી સ્વાભાવિક રીતે આસમાને આંબી રહેલા ભાવોમાં ઘટાડો થશે,
પરિણામે દુનિયાના દેશોથી માંડીને સામાન્ય નાગરિકો સુધી તમામનાં ખોરવાયેલાં
બજેટ ફરી પાટે ચડી શકશે. ભારતના સંદર્ભમાં આર્થિક નિષ્ણાતો સ્પષ્ટ રીતે માને છે કે,
આ સમજૂતી સફળતા સાથે અમલી બને તો ભારતનાં અર્થતંત્રને સંખ્યાબંધ મોરચે
મોટો ફાયદો થઈ શકે તેમ છે. ભારતમાં મોંઘવારીના પાયામાં રહેલા ઈંધણના ભાવો અને ઉપલબ્ધિમાં
રાહત મળશે, આર્થિક ચિત્ર સુધરતાં શેરબજારમાં તેજી અને રૂપિયામાં
મજબૂતી આવી શકશે. આમ તો 28મી ફેબ્રુઆરીના
ઈઝરાયલની સાથે મળીને અમેરિકાએ ઈરાન પર હુમલો શરૂ કર્યો ત્યારથી આરબ દેશોમાં ભારે ચિંતાનાં
વાદળો ઘેરાયાં હતાં. તેમાં પણ ઈરાને વળતા હુમલામાં આરબ દેશોમાં અમેરિકાના લશ્કરી મથકો
અને તેલના વ્યૂહાત્મક એકમોને નિશાન બનાવવા શરૂ કરીને અમેરિકા અને ઈઝરાયલને હંફાવી દીધા
હતા. આ સંઘર્ષમાં ઈરાન અને અમેરિકાએ દુનિયાના ક્રૂડ પુરવઠા માટે ચાવીરૂપ હોર્મુઝ સ્ટ્રેટના
દરિયાઈ માર્ગને થંભાવી દીધો હતો. પરિણામે સંખ્યાબંધ જહાજો અટવાઈ ગયાં છે અને વિશ્વને
ઈંધણની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત સહિતના ક્રૂડતેલ ઉત્પાદક દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટનો
માર્ગ ખૂલો થવાની હવે તૈયારી છે. આમ થશે તો
આખી દુનિયાને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે
સમજૂતીના અહેવાલ માત્રથી વિશ્વમાં ક્રૂડતેલના ભાવોમાં હવે ઓટ આવવી શરૂ થઈ ગઈ છે. દુનિયાના
શેરબજારોમાં ઉછાળા સાથે આ રાહતરૂપ સ્થિતિને આવકાર મળી રહ્યો છે. હવે આ સમજૂતી ટકી રહે
અને નવો કોઈ અંતરાય આવે નહીં એવી વણકહી પ્રાર્થના દુનિયામાં છે. કેમ કે, નાની એવી ગેરસમજણ કે ઉંબાડીયું શાંતિના માહોલને ફરી જંગનો પલિતો ચાંપી શકે
એવી સ્ફોટક સ્થિતિ છે. આવનારા સમયમાં આ સમજૂતીના 14 મુદ્દાના પાલન સાથે ઈરાન અને
અમેરિકાની વચ્ચે વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થશે એવી આશા રાખીએ.