ગાંધીધામ, તા. 16 : કચ્છ જિલ્લામાં એસ.એમ.સી. દ્વારા
હાથ ધરાયેલી ધાક બેસાડતી કાર્યવાહી બાદ બુટલેગરો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ જોતાં ફરી એકવાર અંજાર
વિસ્તાર દારૂનાં દૂષણની ચુંગાલમાં સપડાઈ રહ્યો હોવાનું સમજાઈ રહ્યું છે. અંજાર શહેર
અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત સાવધાનીપૂર્વક અને ગુપ્ત રીતે
ઈંગ્લિશ દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું
હોવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે.
આ પરિસ્થિતિથી પોલીસની કામગીરી અને જવાબદારી અંગે
સવાલ ઊભો થયો છે. શહેર અને તાલુકામાં
મોટી માત્રામાં શરાબ ઝડપાય છે તે બાબત શરાબની બદી બેરોકટોક ચાલતી હોવાની ચાડી ખાય છે.
અંજારના કેટલાક મોટા ગજાના બૂટલેગરો હજુ પણ પોલીસની મીઠી નજર હેઠળ પાછલા બારણે શરાબનો
વેપલો કરી રહ્યા હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. અંજારના અનેક યુવાનો નશાનાં દૂષણ
તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે, શું પોલીસ ખરેખર આ ગંભીર સમસ્યા સામે લડવા માટે પ્રતિબદ્ધ છે કે પછી હપ્તાખોરી
અને અન્ય પરિબળોના કારણે પોતાનાં કર્તવ્યથી વિમુખ બની રહી છે? સમાજના જાગૃત નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા કોઈ પણ પ્રકારના ભેદભાવ કે દબાણ વિના તટસ્થ અને કડક
કાર્યવાહી હાથ ધરવામાં આવે, તો અંજાર વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં
ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ હોવાનું સૂત્રો જણાવી
રહ્યા છે. શરાબ પકડાય છે, પરંતુ આરોપીઓ હાથમાંથી છટકી જતા હોય
છે. જેથી દૂષણની કડી સુધી પહોંચાતું નથી. આ બદીને નિવારવા પોલીસ કડક રૂખ અપનાવે તે સમયની
માંગ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.