દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા /ગાંધીધામ, તા. 16 : ગઈકાલે જાહેર થયેલી ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ એશિયાના એનર્જી
બની રહેલા કચ્છમાં નવા અલ્ટ્રા મેગા પ્રોજેક્ટોને ખેંચી લાવશે અને આગામી 10 વર્ષમાં વધુ 10 લાખ કરોડનું રોકાણ કચ્છમાં
આવા સાથે ઉદ્યોગ નીતિના એક લક્ષ્ય મુજબ રોજગારીની મોટી તકો સર્જશે એવો મત આ ક્ષેત્રના
નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. - મેન્યુફેક્ચરિંગ
પછી એડવાન્સ મેન્યુફેક્ચારિંગ હબ બનાવવા લક્ષ્ય : ફોકીઆ : ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતની `નવી ઔદ્યોગિક નીતિ - 2026'ને કચ્છનાં ઔદ્યોગિક સંગઠનો, ચેમ્બર તેમજ અગ્રણીઓ- ઉદ્યોગકારોએ બિરદાવતાં જણાવ્યું હતું કે,
આમેય પૂરપાટ વેગે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહેલા કચ્છને આ નવી નીતિ
વધુ વેગ આપશે. 3.5 ટ્રિલિયન
ડોલરનાં અર્થતંત્રનાં લક્ષ્ય સાથેની અને `લોકલ ટુ ગ્લોબલ'ના નવા ઉદ્યોગ મંત્ર સાથેની આ નીતિ વિશે પ્રતિભાવ આપતાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ
એસોસીએશન (ફોકીઆ)ના એમ.ડી. નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, ગુજરાત
એ દેશનું મેન્યુફેક્ચારિંગ હબ તો છે જ, પરંતુ હવે તેને એડવાન્સ
ટેક્નોલોજી, ચિપ્સ, ગ્રીન એનર્જી,
ઇલેક્ટ્રોનિક્સ જેવા સેકટરનું હબ બનવાનાં લક્ષ્યની ઝલક આ નવી નીતિમાં
દેખાય છે. જે મહત્ત્વનો બદલાવ છે. બીજું, સબસિડીઓ, ઇન્સેન્ટિવ તો અગાઉથી છે જ, પરંતુ તેમાં ઉદ્યોગોને પસંદગીની
તક એ મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. કારણ કે, દરેક ઉદ્યોગની જરૂરિયાત
અલગ હોય છે. આ સિવાય પણ એન્વાયર્નમેન્ટ,
ટેક્સ્ટાઇલ, વોટર રિસાઇકલ જેવા ક્ષેત્ર
અને સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન નોંધપાત્ર છે. - કચ્છમાં 10 વર્ષમાં 10 લાખ કરોડના મેગા પ્રોજેક્ટની
આશા : એડવાન્સ મેન્યુફેક્ચારિંગ, ઇનોવેશન, સસ્ટેઇનેબલ ગ્રોથ,
ઇન્વેસ્ટમેન્ટ અને રોજગારી ઉત્પાદન કરનારા મુખ્ય મુદ્દાને સાંકળતી આ
નીતિમાં કચ્છ વિશે શ્રી ફડકેએ વધુમાં કહ્યું કે, બે પોર્ટ,
વિશાળ લેન્ડ બેંક સાથે એશિયાના ગ્રીન એનર્જી હબ કચ્છમાં આવનારાં 10 વર્ષમાં 10 લાખ કરોડનું નવું રોકાણ ખેંચાઈ
આવશે. રૂા. 10,000 કરોડથી વધુના રોકાણ ધરાવતા
ઉદ્યોગના અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ માટે 35 ટકા સબસિડી એ સંભવત: ગુજરાત સિવાય કોઈ રાજ્યની નીતિમાં નથી અને
ગુજરાત સાથે તેનો સૌથી મોટો ફાયદો આ પરિબળોથી કચ્છને થવાનો છે. આર.ઈ., ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયાથી કચ્છ એ ગ્રીન એનર્જીનું
હબ છે, હવે આ પરિબળ સાથે સ્ટીલ, ફર્ટિલાઇઝર
જેવા સેક્ટરના અલ્ટ્રા મેગા પ્રોજેક્ટના આગમનથી એશિયાનું સૌથી મોટું મેન્યુફેક્ચારિંગ
હબ બનવા જઈ રહ્યું છે. - નવી ઉદ્યોગ
નીતિ આગામી બે દાયકાના વિકાસ માટેનો રોડમેપ : ગુજરાતે છેલ્લા બે દાયકામાં
ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં દેશનું નૈતૃત્વ કર્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ઔદ્યોગિક નીતિ
દ્વારા આગામી બે દાયકાના વિકાસ માટે એક નવો રોડમેપ
રજૂ કરાયો હોવાનું ગાંધીધામ સી.એ. બ્રાન્ચના ચેરમેન વિરાગ આચાર્યએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,
નવી નીતિમાં માત્ર મોટા ઉદ્યોગો જ
નહીં, પરંતુ એમ.એસ.એમ.ઈ., સ્ટાર્ટ-અપ, નવીન ટેક્નોલોજી, ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ, મહિલા ઉદ્યોગ સાહસિકો અને રોજગારી
સર્જનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રમાં
મૂડીરોકાણ માટે નાણાકીય સહાય, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડયૂટી રાહત, સ્કીલ ડેવલપમેન્ટ અને માળખાકીય સપોર્ટ
જેવી અનેક પ્રોત્સાહક જોગવાઈઓ કરાઈ છે. મુંદરા અને દીનદયાળ (કંડલા) બંદરો, ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્ક, વિશાળ ખનિજ સંપત્તિ,
આંતરરાષ્ટ્રીય વેપાર માટે અનુકૂળ સ્થાન અને વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ જેવી
વિશેષતાઓ કચ્છને વૈશ્વિક રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. નવી ઔદ્યોગિક નીતિ
હેઠળ કચ્છમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ, નવા ઉદ્યોગો અને લાખો
રોજગારીની તકો ઊભી થવાની સંભાવના હોવાનું તેમણે ઉમેર્યું હતું. - વિકસિત ભારત 2047ના સ્વપ્ન ઉદ્યોગ નીતિ થકી
સાકાર થશે : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઉદ્યોગ
નીતિ ભારત સરકાર અને વડાપ્રધાનના વિકસિત ભારત
2047ના ધ્યેયને અનુરૂપ હોવાનું
કચ્છની વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ નવી નીતિમાં ખાસ કરીને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને
વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગકારોને તમારો લાભ તમે નક્કી કરો એ જોગવાઈ
કરવાથી ઉદ્યોગકાર પોતે તેને શેમાં વધુ લાભ છે, તે પોતે નક્કી કરી શકશે. આ જોગવાઈ મહત્ત્વપૂર્ણ હોવાનું ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું
હતું. સરકાર દ્વારા આયાત ઉપર નિર્ભરતા ઘટાડવા ડ્રોન, સ્પોર્ટસ ગુડઝનું ઉત્પાદન, રમકડા, ફુટવેરના
એકમ માટે સારા ઈન્સેન્ટીવની જોગવાઈ કરાઈ છે.
કચ્છના યુવાનો આ નવી નીતિનો વિશેષ લાભ લે તેવી અપીલ ગાંધીધામ ચેમ્બર દ્વારા કરવામાં આવી છે. ગ્રીન એનર્જી
આર.ઈ. પાર્ક ઉપર વિશેષ ધ્યાન અપાયું
હોવાથી પુન: પ્રાપ્ય ઊર્જા થકી કચ્છના વિકાસને વેગ મળશે તેવું જણાવ્યું હતું. - લખપત, અબડાસા, રાપરને વિશેષ
લાભની સંભાવના : ભુજ ચેમ્બર : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફેડરેશને જણાવ્યું કે, રાજ્યમાં 10 લાખ કરોડના રોકાણને આકર્ષવા, રોજગારીનું સર્જન અને 21 સનરાઇઝ સેક્ટર્સના વિકાસને
વેગ આપવા માટેની આ નીતિ કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ
સાબિત થશે. ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું કે, નવી નીતિમાં પ્રોત્સાહનો પસંદ કરવાની સુવિધા,
ખજખઊ ક્ષેત્ર માટે વિવિધ ઇન્સેન્ટિવની જોગવાઈ નાના અને મધ્યમ ઉદ્યોગોને
વધુ સ્પર્ધાત્મક બનાવશે. કચ્છના લખપત, અબડાસા અને રાપર તાલુકાઓને
કેટેગરી એ અને કેટેગરી બી હેઠળ સમાવવાથી જિલ્લાને વિશેષ લાભ મળવા સંભાવના છે. એલિજિબલ
ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના 45 ટકા સુધીના કુલ ઇન્સેન્ટિવ લાભની જોગવાઈને કારણે આ તાલુકાઓ નવા
રોકાણ માટે વધુ આકર્ષક બનશે અને કચ્છના સંતુલિત ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. પ્રથમ
વખત અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝ શ્રેણીનો સમાવેશ અને વિશેષ ઇન્સેન્ટિવ પેકેજથી કચ્છમાં
ઉપલબ્ધ જમીન, બંદર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને
કારણે આવા વિશાળ રોકાણ પ્રોજેક્ટ્સ માટે જિલ્લો સૌથી અનુકૂળ સ્થાન બની શકે છે. ગ્રીન
એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, લોજિસ્ટિક્સ અને
મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રોને પ્રોત્સાહનો કચ્છ માટે મહત્ત્વપૂર્ણ છે. સોલાર અને વિન્ડ
એનર્જીના ક્ષેત્રમાં કચ્છ પહેલેથી જ દેશના અગ્રણી વિસ્તારોમાં સ્થાન ધરાવે છે. નવી
નીતિના અમલથી કચ્છ દેશના અગ્રણી ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત બની
શકે છે.