• મંગળવાર, 16 જૂન, 2026

નેહરુ અને નરેન્દ્ર મોદીની સરખામણીનો વિરોધ કેમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય સ્થિરતા અને વિકાસની યાત્રા અણધારી ગતિથી આગળ ધપવાની, રાષ્ટ્રહિતમાં ત્વરિત નિર્ણયો લેવાની - આર્થિક સુધારા વધુ ઝડપથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. મોદીનાં નેતૃત્વ હેઠળ ભાજપ-એનડીએ સરકારે એકધારા બાર વર્ષ પૂર્ણ કર્યાં તેનો ઉત્સવ ઊજવવા માટે ભાજપ અને એનડીએના નેતાઓના સમારંભમાં નરેન્દ્રભાઈએ આ ખાતરી આપી છે, ફરીથી દેશને  આર્થિક વિકાસનું વચન આપ્યું છે. મોદી સરકારની સિદ્ધિઓને વધાવવા માટે યોજાયેલા ભવ્ય સમારંભમાં વડાપ્રધાને કોંગ્રેસના શાસનકાળમાં માત્ર અસ્થિરતા, કુશાસન અને ભ્રષ્ટાચાર-કૌભાંડ થયાં હોવાનું જણાવીને કહ્યું કે, આપણી સરકાર માત્ર બાર વર્ષમાં દેશનો વિકાસ સાધી શકી, પણ કોંગ્રેસ સરકારોએ દશકો સુધી રાજ કર્યું, પણ દેશનો વિકાસ થયો નહીં. દરેક નાગરિકનું સ્વપ્ન વિકસિત ભારત છે અને આ સ્વપ્ન, આકાંક્ષા સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ, વચનબદ્ધ છીએ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના શાસનકાળથી વધુ અને સફળ શાસન નરેન્દ્રભાઈ મોદીનું રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્ર પ્રથમના એકમાત્ર એજન્ડા સાથે સતત કાર્યશીલ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરીને એમને વધાવતો ઠરાવ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુએ રજૂ કરતાં કહ્યું કે, એકવીસમી સદી નરેન્દ્ર  મોદીની છે. ચન્દ્રાબાબુના ઠરાવ અને ભાજપ-એનડીએ સરકારની સિદ્ધિઓ સાથે ભારતની જનતા સહમત - સર્વસંમત હોય - હશે જે એમ કહી શકાય. અલબત્ત, રાજકીય વિરોધીઓને પણ રાષ્ટ્રના વિકાસનો ગર્વ હોવો જોઈએ. છતાં આજે રાષ્ટ્રકરણ ઉપર રાજકારણ હાવી છે તેથી દેશના વિકાસની નોંધ લેવાને બદલે નકારાત્મક પ્રચાર થઈ રહ્યો છે! મોદી પરફોર્મન્સથી વધુ પબ્લિસિટી કરી રહ્યા છે એવી ટીકા કરનારાની આંખ અને દિલો દિમાગમાં મોદીની લોકપ્રિયતા ખૂંચે છે! રાષ્ટ્રવાદી કોંગ્રેસના સ્થાપક-વયોવૃદ્ધ નેતા શરદ પવારને મોદીની સરખામણી નેહરુ સાથે થાય તે સ્વીકાર્ય નથી, ખૂંચે છે તેથી એમણે કહ્યું છે કે, સરખામણી કરાય જ નહીં, નેહરુ તો દૂરંદેશી - દીર્ઘદૃષ્ટા હતા! પવાર સાહેબ શું કહેવા માગે છે? નરેન્દ્ર મોદી લોકોને વિકસિત ભારતનું સ્વપ્ન બતાવીને સાકાર પણ કરી રહ્યા છે. મોદીની નેતાગીરી અને કામગીરીને આજે વિશ્વના નેતાઓ વખાણીને બિરદાવી રહ્યા છે. દુનિયાના તખતા ઉપર મોદી અને ભારતનું નામ ગાજે છે એ ભારતના નેતાઓ જોઈ કે સાંભળી શકતા નથી? વિપક્ષી નેતાઓ અને સમગ્ર દેશને ભારતના ઝડપી વિકાસ બદલ દેશાભિમાન હોવું જોઈએ. આજે નરેન્દ્ર મોદીની સરખામણી ઇન્દિરા ગાંધી સાથે નહીં - જવાહરલાલ નેહરુના શાસનકાળ અને કોંગ્રેસી સરકારોના શાસન સાથે થઈ રહી છે. આઝાદી પછીના શાસકો અને શાસન એક ઇતિહાસ છે. ઇતિહાસ સાક્ષી છે અને રહેશે.

Panchang

dd