ગાંધીધામ, તા. 16 : ભચાઉના નંદગામમાં ઓરિસ્સાથી
અથાણાના ડબ્બામાં ગાંજો છૂપાવીને અહીં વેચવા આવેલા બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 18,55,000નો
માદક પદાર્થ જપ્ત કરાયો હતો. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની
એક ટીમ ભચાઉ બાજુ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન નંદગામથી વરસાણા તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના
સર્વિસ રોડ નજીક ન્યૂ બાબા રામદેવ હોટેલની બાજુમાં ઊભેલા બે શખ્સ છૂટક ગ્રાહકોને માદક
પદાર્થ વેચવાની ફિરાકમાં હોવાની પૂર્વ અને સચોટ બાતમી પોલીસને મળી હતી. દરમ્યાન પોલીસે
કમર કસી હતી અને બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી.
અહીં બે શખ્સ મોટા થેલા લઈને ઊભેલા જણાયા હતા.
પોલીસે આ બંનેને પકડી પાડી થેલામાં રહેલા એલ્યુમિનિયમના ગોળ ડબ્બાની તપાસ કરતાં
તેમાંથી ગોળ-કેરીનું અથાણું નીકળી પડયું હતું. ડબ્બાને યોગ્ય રીતે તપાસતાં અને સુંઘતાં
તેમાંથી અથાણાની જગ્યાએ માદક પદાર્થની ગંધ આવતી હોવાનું બહાર આવ્યું હતું. ઉપરના ભાગે
આવેલાં અથાણાંને હાથથી બહાર કઢાતાં તેની નીચે
સેલોટેપ વીંટાળેલી મળી હતી. આ ટેપ હટાવાતાં નીચેના ભાગે વનસ્પતિજન્ય લીલા રંગનાં પાંદડાં, ફૂલ, બી સાથેના ડાળખાં
જોવા મળ્યાં હતાં. દરમ્યાન શેરગંઢ, ગંજામ ઓરિસ્સાના રૂદ્રપ્રધાન
બાબુલાલપ્રધાન (કુર્મી) તથા ધરાકોટ ગંજામ ઓરિસ્સાના પિન્ટુદાસ બંસીધરદાસને પકડી પાડવામાં
આવ્યા હતા. આ ડબ્બાઓમાંથી માદક પદાર્થ બહાર કાઢી એફ.એસ.એલ. અધિકારી પાસેથી પ્રાથમિક
પૃથક્કરણ કરાતાં તે ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ ડબ્બાઓમાં રહેલ પદાર્થ 37.100 કિલો ગાંજો હોવાનું ફલિત થયું
હતું. રૂા. 18,55,000નો આ ગાંજો બંને શખ્સો કયાંથી
લાવ્યા હતા તે બહાર આવ્યું નથી. બંને શખ્સો ઓરિસ્સાથી ટ્રેન મારફતે ભચાઉ આવ્યા હતા, ત્યાં ઊતરીને વાહન થકી નંદગામ પાસે પહોંચ્યા
હતા અને ગ્રાહકો શોધી તેમને ગાંજો વેચીને નાસી જવાની ફિરાકમાં હતા. દરમ્યાન ઝડપાઈ ગયા
હતા. આ કાર્યવાહીમાં આશિષકુમાર ભટ્ટ, અશોકભાઈ સોંધરા,
વીરેન્દ્ર પુરોહિત, વિશ્વજિતસિંહ જાડેજા,
વનરાજસિંહ જાડેજા, હેમુભાઈ પઢેરિયા, સુનીલ માતંગ વગેરે જોડાયા હતા.