નવી દિલ્હી, તા. 16 : ઈરાન અને
અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવાની શાંતિ સમજૂતી ઉપર ફરી એકવાર છેલ્લી ઘડીએ અનિશ્ચિતતાનાં
વાદળો ઘેરાતા દેખાવા લાગ્યાં છે. એકબાજુ હોર્મુઝમાં ટોલની વસૂલાત, સ્થગિત સંપત્તિ છૂટી કરવા સહિતના મુદ્દે અમેરિકા
અને ઈરાન વચ્ચે ફરીથી મતભેદો સપાટી ઉપર આવ્યા છે, તો બીજીબાજુ
ઈઝરાયલ પણ લેબેનોનમાંથી પાછળ ખસવાની ઈરાનની માગણી સામે મચક આપવા તૈયાર દેખાતું નથી,
જેને પગલે ફરીથી આ સમજૂતી સામે પ્રશ્નાર્થ પેદા થઈ ગયો છે. ઈરાનના વિદેશ
મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, શાંતિ સમજૂતી માટે ઈઝરાયેલે
લેબેનોનમાંથી પાછળ હટવું પડશે. સમગ્ર યુદ્ધ ખતમ થવા માટે લેબેનોન યુદ્ધ ખતમ થવું જરૂરી
છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે,
અમેરિકા તરફથી ઈરાનને કોઈ 300 મિલિયન ડોલર ચૂકવવામાં આવનારું નથી. આ ઉપરાંત ઈરાન દ્વારા હોર્મુઝમાં
ટોલ વસૂલાત માટે અમેરિકાએ સહમતી દેખાડી હોવાનું પણ નકારી દીધું હતું. આ સિવાય તેમણે
એમ પણ ઉમેર્યું હતું કે, ઈરાન ક્યારેય
પરમાણુ શત્ર ધરાવી શકશે નહીં. શાંતિ સમજૂતી માટે ઈરાન તરફથી જે મુખ્ય માગણી અને શરતો
મૂકવામાં આવી રહી હતી, તેને ટ્રમ્પે નકારી દીધી છે અને સમજૂતી
કરારમાં આના માટે કોઈ સંમતિ અપાઈ ન હોવાના સંકેતો સાંપડયા છે, ત્યારે હવે નિર્ધારિત સમયે આ સમજૂતી સાકાર થશે કે નહીં તે સવાલ ફરી એકવાર સફાળો
ઊભો થઈ ગયો છે. ટ્રમ્પે ઈઝરાયલના લેબેનોન પર હુમલા મુદ્દે નારાજી દર્શાવી હતી અને કહ્યું
હતું કે, હિઝબુલ્લાહનો સામનો કરવામાં ઈઝરાયલથી બહેતર કામ તો સિરીઆ
કરી શકે છે. એકબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની શરતો ઉપર નવેસરથી ખેંચતાણ વર્તાવા
લાગી છે, ત્યારે બીજીબાજુ ઈઝરાયલનો યુદ્ધોન્માદ પણ શમતો હોય તેવું
લાગી રહ્યું નથી. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુએ ઈરાન પાસે ક્યારેય અણુ
શત્ર ન હોય તેવો હઠાગ્રહ જાળવી રાખવામાં આવ્યો છે અને તેમણે લેબેનોનમાંથી પણ પીછેહઠ
કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેની સામે ઈરાને કહ્યું છે કે,
શાંતિ કરાર માટે ઈઝરાયલે લેબેનોનમાંથી પાછળ હટવું જ પડશે. છેલ્લી ઘડીએ
શાંતિની આશા ઉપર પાણી ફરી વળે તેવા નેતન્યાહુના અભિગમથી હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ પણ બરાબર ખિજાયા છે. તેમણે કહ્યું હતું કે, નેતન્યાહુએ
વધુ જવાબદારીથી વર્તવું પડશે. લેબેનોનમાં જે પ્રકારે તેઓ હિઝબુલ્લા સામે કાર્યવાહી
કરી રહ્યા છે, તેનાથી પોતે નારાજ હોવાનું પણ ટ્રમ્પે કહી દીધું
હતું.