મુંબઈ, તા. 15 : (પીટીઆઈ) : અમેરિકા અને ઈરાન વચ્ચે 107 દિવસથી
ચાલી રહેલાં યુદ્ધને સમાપ્ત કરવા સોમવારે થયેલા કરાર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર
ઘટાડો થયો હતો, જેથી શેરબજારોમાં સતત બીજા સત્રમાં તેજી
જોવા મળી હતી. સેન્સેક્સ 736.38 પોઈન્ટ (0.97 ટકા)ના ઉછાળા સાથે 76,264.33 પર
બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે 1,293.12 પોઈન્ટ
(1.71 ટકા)
ઊંચકાયો હતો, જ્યારે નિફ્ટી 231 પોઈન્ટ
(0.98 ટકા)
વધીને 23,853.90 પર
બંધ થયો. શુક્રવારે અગાઉના સત્રમાં સેન્સેક્સ 1,695 પોઈન્ટ અને નિફ્ટી 461 પોઈન્ટ
વધ્યા હતા. એનએસઈના તમામ સૂચકાંકો વધીને બંધ થયા હતા. વિસ્તૃત નિફ્ટી સ્મોલકેપ 100 1.43 ટકા
વધ્યા હતા. અમેરિકા - ઈરાન કરારની જાહેરાત પછી વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ
ત્રણ મહિનાનાં નીચલાં સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 5 ટકા
ઘટીને પ્રતિ બેરલ 82.90 ડોલરની
નજીક ટ્રેડ થઈ રહ્યું છે. એચડીએફસી બેન્ક 2 ટકા વધ્યો હતો. નોમુરાએ
જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે એનઆરઆઈ ડિપોઝિટની
નવી યોજના રજૂ કરી તે બેન્કો માટે મોટી સકારાત્મક બાબત છે. તેના કારણે વધુ લાંબા
ગાળાની ફોરેન કરન્સી ડિપોઝિટ આવશે. નાણાકીય પ્રવાહિતા સુધરશે તથા નફા ઉપરનું દબાણ
ઘટશે. લાર્સન એન્ડ ટુબ્રોના ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પશ્ચિમ એશિયામાં છે
અને તેના શેરના ભાવ 3.2 ટકા વધ્યા હતા. ક્રૂડતેલના ભાવ ઘટતા ઓઈલ
માર્કેટિંગ કંપનીઓ, ટાયર ઉત્પાદકો, પેઈન્ટ ઉત્પાદકો તથા એરલાઈન્સ કંપનીઓના શેરના ભાવમાં નાનો-મોટો ઉછાળો જોવા
મળ્યો હતો.
રૂપિયાનું
મૂલ્ય વધ્યું
અમેરિકા
- ઈરાન વચ્ચે યુદ્ધ બંધ કરવા બાબતના કરાર થતાં ફરીથી ક્રૂડતેલના ભાવ ઘટતાં રૂપિયો 58 પૈસા
વધીને ડોલરની સામે 94.60 થયો હતો. સ્થાનિક બજારના સૂચકાંકો મજબૂત ખૂલ્યા
હતા અને ડોલર નબળો પડતા રૂપિયાની મજબૂતી વધી હતી.
ઈન્ટરબેન્ક
ફોરેન એક્સ્ચેન્જ માર્કેટમાં રૂપિયો મજબૂત હતો.
ઈન્ડિયા
વીઆઈએક્સ ઘટયો બજારમાં ભય અને જોખમ માપવા માટેનો ઈન્ડિયા વીઆઈએક્સ ચાર ટકા ઘટીને 14.18 થયો
હતો. આ બાબત દર્શાવે છે કે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને જોખમ ઘટયું છે.
જિયોજિત ઈન્વેસ્ટસના આનંદ જેમ્સે જણાવ્યું હતું કે, નિફ્ટી
હવે અપર બોલિન્જર બેન્ડ જે 24,029 ઉપર છે તેની ઉપર જઈ
શકે. આમ છતાં 23,900 આસપાસ
વોલેટાલિટી જોવા મળે. ભવિષ્યમાં નિફ્ટી 24,029 ઉપર જશે તો 24,300 - 24,600 સુધી
જઈ શકે.