• બુધવાર, 17 જૂન, 2026

નુંધાતડમાં રાત્રે ફરી ખનિજચોરી : સ્ક્વોડ પહોંચતાં આરોપી નાસી ગયા ને મશીન કબજે

ભુજ, તા. 16 : અબડાસાના નુંધાતડ વિસ્તારમાં ગેરકાયદે ખનિજચોરી થતી હોવાના અગાઉ અનેક વખતે કિસ્સા પકડાઇ ચૂક્યા છે ત્યારે ફરી અચાનક ગઇરાત્રે ખાણ-ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડો પાડતાં રૂા. 40 લાખની કિંમતનું અદ્યતન એસ્કેવેટર મશીન પકડી પાડયું હતું. આ મશીનના માલિક સદામ હુશેન પઢિયાર હોવાથી તંત્રે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. કલેક્ટર દ્વારા જિલ્લામાં ખનિજચોરી અટકાવવા તથા ખનિજચોરી કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે અબડાસાના નુંધાતડ ગામે બેન્ટોનાઇટ ખનિજચોરી અંગે  મળેલી બાતમીના આધારે ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમે  રાત્રે 2 વાગ્યાની આસપાસ નુંધાતડ ગામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખનિજચોરીમાં સંકળાયેલ આરોપીઓ દ્વારા ગામમાં પ્રવેશવાના દરેક રસ્તા પર કોઈ પણ ખાનગી વાહન પ્રવેશે તેની રેકી કરવા માટે વોચ ગોઠવવામાં આવી હતી. આથી ફ્લાઇંગ સ્ક્વોડ-કચ્છની તપાસ ટીમે રેડ કરી હોવાના સમાચાર આ કામના આરોપીઓને મળતા તેઓ દ્વારા ખનિજચોરીમાં ઉપયોગમાં લીધેલા વોલ્વો કંપનીના ચેસિસ નં. CEC210DC00251153 એસ્કેવેટર મશીનને ખનિજચોરીવાળા સ્થળેથી ખસેડી માલિકીના સર્વે નં. 89 ખાતે મૂકી, મશીનચાલક તથા ચોરીમાં સામેલ આરોપીઓ નાસી છૂટયા હતા. તપાસ ટીમ દ્વારા એસ્કેવેટર મશીનની ચેનના નિશાનના આધારે મશીન શોધી કાઢવામાં આવ્યા બાદ સદર આરોપીઓ દ્વારા તપાસટીમને યેનકેન પ્રકારે બનાવવાળું સ્થળ છોડવા માટે તથા મશીન છોડી મૂકવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડની તપાસટીમ દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં સવારે ખાનગી મિકેનીકની મદદ લઈ મશીનને અનલોક કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ખસેડી સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનને મશીનની કસ્ટડી સોંપવામાં આવી હતી. ઓપરેશન દરમ્યાન કોઠારા પોલીસ સ્ટેશન પી.આઈ. પીયૂષ રાડા તથા કોઠારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. મશીનના માલિક તરીકે પઢિયાર સદામ હુસેન, રહે. નુંધાતડ હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં મશીન કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ દંડનાત્મક પગલાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફ્લાઇંગ સ્ક્વોડની તપાસટીમ દ્વારા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. 

Panchang

dd