ગાંધીધામ, તા. 16 : કચ્છનાં પ્રવેશદ્વાર સમાન આડેસર
ખાતે કાયદો અને વ્યવસસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ
દ્વારા એક પ્રશંસનીય અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાધનપુર - સામખિયાળી ધોરીમાર્ગ
પર વન વિભાગની કચેરી નજીક કરોડોની સરકારી જમીનને ભૂમાફિયાની ચુંગાલમાંથી મુક્ત કરાવી
હવે ત્યાં જ આડેસર પોલીસની નવી અને અત્યાધુનિક ઇમારત બનાવવામાં આવશે. આડેસરમાં રાધનપુર-
સામખિયાળી ધોરીમાર્ગ પાસે આવેલી 10,000 ચો.
મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર હારૂન અયુબ હિંગોરજા નામના શખ્સે ગેરકાયદેસર રીતે
દબાણ કરી ત્યાં સહારા હોટેલ બનાવી નાખી હતી. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી
કરીને આ સરકારી જમીન પરથી હોટેલનું તમામ બિનઅધિકૃત દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું
હતું. દબાણમુક્ત કરાયેલી કિંમતી જમીનનો લોકહિત અને પોલીસ વિભાગના ઉપયોગ માટે વપરાશ
થાય તે હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સરકાર અને જિલ્લા કલેકટર સમક્ષ ત્યાં પોલીસ
મથકની ઇમારત બનાવવાની માંગ કરી હતી. આ દરખાસ્ત મંજૂર કરાતાં આજે વિધિવત રીતે જમીનનો
કબજો મેળવી લેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરાઇ હતી. નિર્માણકાર્યની પૂર્વ
તૈયારીના ભાગરૂપે આજે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, આડેસર પી.આઇ. જે.બી. આચાર્ય સહિતનાએ સ્થળની
મુલાકાત કરી હતી અધિકારીઓએ જગ્યાનું નિરીક્ષણ કરી જરૂરી નકશા અને આયોજન અંગે ચર્ચા-વિચારણા
કરી હતી. અહીં પી.આઇ. ચેમ્બર, સ્ટાફ રૂમ, ક્રાઇમ રેકોર્ડ રૂમ, પી.એસ.ઓ. રૂમ, અદ્યતન લોકઅપની સુવિધા, વાહનો માટે વિશાળ પાર્કિંગ,
પર્યાવરણની જાળવણી માટે બગીચો વગેરે સુવિધાઓ વિકસાવાશે. અહીં પોલીસ મથક
બનશે ત્યારે હાઇ-વે પેટ્રોલિંગ અને કાયદો- વ્યવસ્થામાં મોટો ફાયદો થશે તેવી લાગણી વ્યક્ત
કરાઇ હતી.