નખત્રાણા, તા. 16 : આ તાલુકાના છેવાડાના અંતરિયાળ
મુરૂ, નાની-મોટી ધામાયમાં નખત્રાણા પાણી પુરવઠા યોજના
હસ્તકની ઉગેડી સામૂહિક પાણી પુરવઠા યોજના દ્વારા છેલ્લા એક માસથી પાણી પુરવઠો ખોરવાતાં
ત્રણ ગામની જનતા પીવાનાં પાણીની પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે, જ્યારે પશુ- ઢોરોના પીવાનાં પાણીના અવાડા ખાલીખમ રહેતાં અબોલ પશુઓ ઉનાળાની
કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. મુરૂ ગામના સરપંચ વાલાભાઇ રામાભાઇ આહીરે
કચ્છમિત્રને પાણીની ગંભીર સમસ્યા અંગે જણાવ્યું હતું કે, ઉગેડી
પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં છેલ્લા એક માસથી પુરવઠો ઠપ થતાં ત્રણ ગામના ગ્રામજનો
વાડીઓમાંથી ક્ષારવાળાં તથા નદીઓનાં- કૂવાનાં ખારાં પાણી પીએ છે. જ્યારે ગાય, ભેંસ,
ઊંટ, ઘેટાં-બકરાં પાણી માટે વલખાં મારે છે. સરપંચ
શ્રી આહીરના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નખત્રાણા પા.પુ. યોજનાના ઇજનેર અધિકારીને લેખિત-
મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઉકેલાઇ નથી. આ સંદર્ભે નખત્રાણા સંકલનની બેઠકમાં
પ્રાંત અધિકારીએ પણ તાકીદ કરી હતી છતાં દાદ મળી નથી.