ભુજ, તા. 16 : અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે.
જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર તરીકે ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર
હીરાણીની નિમણૂક કરવામાં આવી છે અને તેમણે હોદ્દો સંભાળી લીધો છે. અત્યાર સુધી ડાયરેક્ટર
તરીકે સેવા આપતા ડો. બાલાજી પિલ્લાઇનો કાર્યકાળ પૂર્ણ થતાં ડો. હીરાણીને સંચાલન સોંપાયું
છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જી.કે. જનરલ
હોસ્પિટલ સાથે છેલ્લા બે દાયકાથી હવાલો સંભાળતા ડો. હીરાણી કચ્છના જ વતની છે. ઇએનટી
સર્જન તરીકે કારકિર્દી શરૂ કરી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર
ઉપરાંત વહીવટી ક્ષેત્રે એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ
તરીકે વહીવટી અનુભવ ધરાવે છે. કારકિર્દીના પ્રારંભથી જ જી.કે. સાથે જોડાયેલા હોવાથી
સંસ્થા અને કચ્છના દર્દીઓ માટે તેમની નિમણૂક આશીર્વાદરૂપ બનશે. ડો. હીરાણીએ અમદાવાદની
બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને ત્યારબાદ ઇ.એન.ટી.નો માસ્ટર અભ્યાસક્રમ
કરી ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. બી.જે. મેડિકલ કોલેજમાંથી અભ્યાસ બાદ ભૂકંપપીડિતોની
સેવામાં જોતરાઇ ગયા હતા. આ ઉપરાંત કોરોનાકાળ, ઓપરેશન સિંદૂર,
સ્વાઇનફ્લૂ, ચક્રવાત જેવી કુદરતી આફતમાં સતત કચ્છીજનોની
પડખે રહી સેવા કરી છે. તેઓ પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ ઇએનટી સર્જનનો એવોર્ડ જીતી ચૂક્યા
છે. કારકિર્દી દરમ્યાન તેમણે કાન-નાક અને ગળાનાં સેંકડો ઓપરેશન કર્યાં છે. જડબાં અને
મોઢાંના ફ્રેક્ચર્સ, દૂરબીન વડે મગજનાં ઓપરેશન અને મોઢાંની પ્લાસ્ટિક
સર્જરી કરવાની કચ્છમાં પહેલ પણ તેમણે કરી હતી. નિમણૂક બદલ તેમને રાજ્ય અને જિલ્લાભરમાંથી
અભિનંદન મળી રહ્યા છે. તેઓ ભુજમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના અને રાજ્ય સ્તરે ઇએનટી
એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તેવું યાદીમાં જણાવાયું
હતું.