• બુધવાર, 17 જૂન, 2026

16 મહિને હસ્તધૂનન,આજે દ્વિપક્ષીય બેઠક

નવી દિલ્હી, તા. 16 : ઈરાન યુદ્ધ અને તેનાં પગલે સર્જાયેલા ઊર્જા સંકટ ઉપરાંત ટેરિફના હુમલાની પૃષ્ઠભૂમિમાં આજે ફ્રાન્સમાં આયોજિત જી-7 શિખર સંમેલનના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અચાનક જ સંક્ષિપ્ત પણ ઉષ્માસભર મુલાકાત થઈ હતી. આશરે 16 મહિના બાદ થયેલી આ પ્રથમ મુલાકાતમાં બન્ને નેતાએ ઉષ્માભેર હાથ મિલાવ્યા હતા અને થોડીવાર માટે વાતચીત કરી હતી. જો કે, આ અનૌપચારિક અને ટૂંકી મુલાકાતમાં બન્ને નેતા વચ્ચે શું વાત થઈ તેની કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી, પણ આવતીકાલે બુધવારે બન્ને વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક માટે તખતો આજે ઘડાઈ ગયો હોય તેવું દેખાયું હતું. ફ્રાન્સના ઇવિયન-લા-બેઈન્સ ખાતે સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે, ભારતે માનવતા પ્રથમનો અભિગમ અપનાવ્યો છે. અમારું આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું વિઝન વસુધૈવ કુટુંબકમ્નાં દર્શનમાં માને છે, ટકાઉ અને સમાવિષ્ટ વિકાસને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. દુનિયાને કેટલો આર્થિક લાભ થશે એવી ભાવના છોડીને એકતા અને સમાનતા આધારિત ભાગીદારી તરફ આગળ વધવું જોઇએ. દરમ્યાન, મોદી અને ટ્રમ્પ વચ્ચે આ મુલાકાત કૂટનીતિનાં વર્તુળોમાં ચર્ચા અને ધ્યાનનું કેન્દ્ર બની ગઈ હતી. આજે આ શિખર સંમેલનના યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન મોદીનું વિશેષ સ્વાગત કર્યું હતું અને ગુલદસ્તો ભેટ આપ્યો હતો. તેમના વચ્ચે પણ થોડી ક્ષણો માટે કંઈક વાત થઈ હતી. ત્યારબાદ તુરંત જ ટ્રમ્પ આવી પહોંચતા મોદી ટ્રમ્પને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોદી મેક્રોંનાં નિમંત્રણ ઉપર જી-7 શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા છે. ભારત આમાં 13મી વખત સામેલ થયું છે, જ્યારે વડાપ્રધાન મોદી સતત સાતમી વખત આ સંમેલનમાં ઉપસ્થિતરહ્યા છે. આ શિખર સંમેલનમાં મોદીનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે. તેઓ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર, યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન અલ ઝાયદ અલ નાહયાન સહિતના વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે, જેમાં આવતીકાલે ટ્રમ્પ સાથે મહત્ત્વની વાટાઘાટો ઉપર ભારત સહિત દુનિયાની નજર રહેવાની છે. દરમિયાન કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત અને જી-7 વિશે એક મહત્ત્વની ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જી-7 સમૂહ હવે દુનિયા ચલાવતો નથી અને એવો દેખાડો પણ નથી કરતો. તેમણે કહ્યું કે, જી-7 શિખર સંમેલનમાં ભારતની હાજરી બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનું સ્પષ્ટ પ્રમાણ છે. તેમણે ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, ભારત જેવી ઊભરતી અર્થવ્યવસ્થા અને શક્તિની ભાગીદારી સાબિત કરે છે કે, હવે વૈશ્વિક શક્તિ ફક્ત પરંપરાગત પશ્ચિમી દેશો સુધી સીમિત નથી.  ઉલ્લેખનીય છે કે, જી-7 શિખર સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા, ઊર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય સુરક્ષા, રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને એઆઈ સહિતના મહત્ત્વના વિષયો ઉપર ચર્ચા થવાની સંભાવના છે. ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફ્રાન્સ ખાતે યોજાયેલી જી-7 સમિટમાં યુક્રેનને ટોચના એજન્ડા પર  મૂકવા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટૂંક સમયમાં રશિયન તેલ શિપમેન્ટ પર ફરીથી પ્રતિબંધો લાદી શકે છે.  હાલનાં અઠવાડિયાંમાં ઈરાન સંઘર્ષનાં કારણે યુક્રેનનો મુદ્દો બાજુ પર રહ્યો છે, પરંતુ ગલ્ફમાં સાડા ત્રણ મહિના જૂના સંઘર્ષને સમાપ્ત કરવા માટેના કરારની ટ્રમ્પની જાહેરાત બાદ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેઓ હવે યુક્રેન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે, ઈરાન ટૂંક સમયમાં ભવિષ્ય તરફ આગળ વધશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રશિયા પર પ્રતિબંધો ફરીથી લાગુ કરશે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થતાં પ્રતિબંધો ફરીથી લાગુ થઈ શકે છે. ટૂંક સમયમાં અમે તે કરી શકીશું. 

Panchang

dd