કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : સીમાવર્તી કચ્છ પ્રદેશમાં
વિદેશી ઘૂસણખોરીનો મુદ્દો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યો છે. એક તો આ જિલ્લો પાકિસ્તાન સાથે
વિશાળ ભૂમિ સરહદ અને જળસીમા ધરાવે છે. દેશવિરોધી પ્રવૃત્તિ-દાણચોરી માટે પંકાયેલો છે.
એટલે જ સુરક્ષાદળો ઘૂસણખોરો પ્રત્યે સખત વલણ રાખે એ સ્વાભાવિક છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી એ
સાથે ગેરકાયદે આવી વસેલા લાખો બાંગલાદેશી સામે ડંડો ઉગામ્યો છે.
સરહદ ઓળંગીને પાછા પોતાના વતન ચાલ્યા જવાનું ફરમાન કર્યું, એ જ અરસામાં ગુજરાતમાંય બાંગલાદેશી ઘૂસણખોરો
સામે ચાબુક ઉગામવામાં આવ્યો છે. ઓપરેશન `ડેલ્ટા હન્ટ' હાથ ધરવામાં આવ્યું છે. ગૃહખાતાનો હવાલો સંભાળતા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરોને કડક
ચેતવણી આપી. પોલીસે સેંકડો ગેરકાયદે બાંગલાદેશીને પકડી પાડયા છે. બીજા હજારો શંકાસ્પદ
નાગરિકના દસ્તાવેજોની તપાસ થઇ રહી છે. કચ્છમાં પણ ચાર-પાંચ ડઝન બાંગલાદેશી જુદા-જુદા
વિસ્તારોમાંથી પકડાયા છે. બાંગલાદેશી અને બંગાળીઓનું કચ્છ સાથે કનેક્શન જૂનું છે. સોના-ચાંદીના ઝીણા કામમાં દાયકાઓથી કચ્છમાં બંગાળી
કારીગરોની બોલબાલા છે. અત્યારે સોના-ચાંદીની
તેજી-આભને આંબતા ભાવની સ્થિતિમાં કામ ઘટી ગયું
છે એ જુદી વાત છે. એ સિવાય બંગાળી-બાંગલાદેશી યુવતીઓને લાવીને પરણવાના કિસ્સાઓ અનેક
છે. એક આખું નેટવર્ક અને એજન્ટો આ ધંધામાં કામ કરે છે. ગરીબીમાં પીડાતા પરિવાર સાથે સોદો કરીને યુવતીનું કચ્છમાં ઘર માંડવામાં આવતું
હોય છે. ક્યારેક ક્યાંક છેતરાઇ જતા હોય છે....ને ઘણાં બાંગલાદેશી-બંગાળી સ્થાનિક રહીને
કચ્છી ભાષા બોલતા થઇ જાય છે. પોલીસ ચોપડે કેટલીય ઘટના નોંધાઇ છે, જેમાં એજન્ટો ટેમ્પો ભરીને બંગાળી યુવતીઓ લાવ્યા હોય અને પોલીસની કાર્યવાહીનો
સામનો કરવો પડયો હોય. થોડા વર્ષ પહેલાં કચ્છમિત્રમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ એકાદ હજારથી
વધુ બંગાળી યુવતી કચ્છમાં પરણીને ઠરીઠામ થઇ છે. એ પછી તો આંકડો ઘણો વધી ગયો હોય એ સ્વાભાવિક
છે. કચ્છમાં ઔદ્યોગિકીકરણ પછી કારખાના-ફેક્ટરીઓમાં હજારો પરપ્રાંતીએ નોકરી મેળવી છે.
બાંગલાદેશી નાગરિકો અહીં નોકરી મેળવવાની લાલચથી એજન્ટોની જાળમાં ફસાઇને ઘૂસ્યા હોવાના દાખલા નોંધાયા છે. 12મી ઓગસ્ટ 1993ના દિવસે જન્માષ્ટમીની ઉજવણી
થઇ રહી હતી ત્યારે ભુજ બસ સ્ટેશનેથી એક કોન્સ્ટેબલની
સતર્કતાથી એક સાથે 117 બાંગલાદેશી
ઝડપાઇ ગયા હતા. તેઓ ખાવડા-હાજીપીર બસની રાહ જોઇને બસ સ્ટેશને ઊભા હતા ને પોલીસે આશંકાના
આધારે તપાસ કરતાં તેમને પકડી પાડવામાં આવ્યા
હતા. કચ્છ સરહદી ઇલાકો હોવાથી ઘૂસણખોરી ગંભીર મનાય છે. વિતેલાં વર્ષોમાં બાંગલાદેશીઓ ભારતમાં આવીને ગુજરાત ઉપરાંત બિહાર, બંગાળ, આસામ અને અને ઇશાનના
રાજ્યો જ નહીં, પરંતુ રાજધાની દિલ્હી અને મહાનગર મુંબઇમાં પણ
સ્થાયી થઇ ગયા છે. 1996ના અરસામાં
કોટેશ્વરમાં 40થી વધુ બાંગલાદેશી પકડાઇ ગયા હતા. પોતાની
માતૃભૂમિ છોડીને વિસ્થાપિત થઈને ભારતમાં ઘૂસતા બાંગલાદેશીની સ્થિતિ દયાદ્ર હોય છે. ખાવાનાય સાંસા... પણ નાપાક પરિબળો ભારતમાં
ભાંગફોડ કરવા કે પોતાના ષડયંત્રોને અંજામ આપવામાં આવી સ્થિતિનો ગેરલાભ લેતા હોય છે.
એ ઈતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે.આઘાતની વાત એ કહેવાય કે, ઘૂસણખોરો બનાવટી આધારકાર્ડ, મતદારકાર્ડ જેવા દસ્તાવેજો બનાવડાવી લે છે. હાલમાં જ ગુજરાત પોલીસના સાયબર
વિંગે 6200થી વધુ સંદિગ્ધ મોબાઈલ નંબરોની
ઓળખ કરી છે, જે લગાતાર બાંગલાદેશી નંબરો
સાથે સંપર્કમાં હતા. કચ્છમાં ગેરકાયદે વસનાર દરેક ઘૂસણખોર આપણી શાંતિ-સલામતી માટે જોખમરૂપ
હોય છે. હરામીનાળાં અને સિરક્રીક જેવા સીમાવર્તી
ક્ષેત્ર કચ્છમાં આવેલા છે. નાપાક પરિબળો સ્લીપરસેલ ગોઠવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
કંડલા-મુંદરા બંદર જેવા મોટાં સ્થળોએ બાંગલાદેશી ઘૂસણખોરો આર્થિક પ્રવૃત્તિની આડમાં
કાયદાના રક્ષકોની નજરમાંથી બચી જતા હોય છે.
ઓપરેશન હન્ટ કચ્છ માટે મહત્ત્વનું છે. ક્યાંય પણ દુકાન-વ્યવસાય-ઉદ્યોગો,
ખેતી-બાગાયત, બાંધકામ કે ઘરકામ માટે અજાણ્યા -
પરપ્રાંતીયોને રાખતાં પહેલાં તેની નાગરિકતાની ચકાસણી પહેલી થવી જોઈએ એ દેશહિતમાં છે.
બેદરકારીને કોઈ સ્થાન નથી.