નલિયા, 16 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયા શહેરમાં રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ રખડતા ઢોરોને કારણે સ્થાનિક
રહેવાસીઓ અને વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના જાહેર માર્ગો
પર આ ઢોરો અવારનવાર બાખડે છે અને યુદ્ધે ચડે છે,
જેના પરિણામે બજારોમાં ભયનો માહોલ સર્જાય છે અને લોકોમાં નાસભાગ મચી
જાય છે. વળી, આવા બનાવોમાં ક્યારેક રાહદારીઓને પણ ઢોરો દ્વારા
હડફેટે લેવાના કિસ્સાઓ બન્યા છે, જેમાં કેટલાક લોકોને ઈજાઓ પણ
પહોંચી છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે હવે નલિયાના નાગરિકો દ્વારા સરકાર
પાસેથી સબસિડી મેળવતી પાંજરાપોળોમાં આવા રખડતા ઢોરોને મૂકવાની માંગણી ઉગ્ર બની છે. લોકોનું કહેવું છે કે,જો તાલુકા મામલતદાર દ્વારા આ અંગે તાત્કાલિક
આદેશ કરવામાં આવે, તો આ રખડતા ઢોરોને પાંજરાપોળોમાં ખસેડી શકાય
છે અને શહેરને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. તંત્ર માત્ર કાગળ પર આદેશ કરીને આ સમસ્યાનો
અંત લાવી શકે તેમ હોવાથી મામલતદારને આ મુદ્દે સક્રિય થવા અપીલ કરવામાં આવી રહી છે.