• બુધવાર, 17 જૂન, 2026

પાણીચોરી કરતાં તત્ત્વો સામે કડક કાર્યવાહીની તાકીદ

ભુજ, તા. 16 : કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તથા જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાસ્મો દ્વારા તૈયાર કરાયેલ લોકભાગીદારીવાળી રૂા. 29.84 લાખની માંડવી તાલુકાના પદમપર ગામની ગ્રામ્ય પેયજળ યોજનાને બહાલી આપવામાં આવી હતી. મોટી રાયણ, કોડાય (મદનપુર) તથા અંજાર તાલુકાના વીરા ગામની નવીન યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પાણી પુરવઠા કચ્છ વિભાગ દ્વારા રિજુવિનેશન પ્રોગ્રામ હેઠળ તૈયાર કરાયેલ રૂા. 109.85 લાખની વરલી, મદનપર (સુખપર), નાની વિરાણી, મોમાયમોરા, જખૌ, ખેડોઇ, ભલોટ, દેશલપર, મોટી તુંબડી ગામોની 09 યોજનાને બહાલી આપવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણ વ્યવવસ્થા જર્જરિત બનેલ હોય તેવી ટાંકીઓ તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી. વારંવાર પાણીની ફરિયાદો મળતી હોય તેવાં ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણીના સ્ટોરેજ ન હોવા, ગ્રામ પંચાયત, પાણી સમિતિ નિક્રિય હોય વગેરે જેવાં અનેક કારણો જવાબદાર હોવાથી આવા ગામોમાં વાલ્વમેનને રાખી  પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા સઘન પગલાં ભરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી. ગ્રામ્ય કક્ષાએ આંતરિક પાણી વિતરણ યોજનાઓમાં ગેરકાયદેસર રીતે જૂથ યોજનાની મેઇન લાઇનમાંથી ડાયરેકટ પાણી જોડાણ લેવામાં આવતાં હોવાથી છેવાડાના વિસ્તારોમાં પાણી ઓછું મળવા અગર તો બિલકુલ ન મળવા અંગેના પ્રશ્નો ઉદભવે છે. જે માટે પાણીચોરીનો પ્રશ્ન ઉકેલવા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવા અને જરૂર જણાય ત્યાં ગુજરાત પાણી પુરવઠા કચેરીની ટીમ દ્વારા પોલીસ ફરિયાદ કરી કડક કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. જરૂરી સર્વે કરી માત્ર નર્મદા પર આધારિત ન રહી સ્થાનિક સોર્સ જેવા કે કૂવા, ચેકડેમ, તળાવ વગેરે પુન: રિચાર્જ કરવા, જરૂર પડયે નવાં તળાવ, નાના ચેકડેમ બનાવવા પર ભાર મુકાયો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેકટર પાર્થ કોટડિયા, ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવ, વાસ્મો, ભુજના કાર્યપાલક ઇજનેર નિસર્ગ પટેલ, એમ.એચ.  આંતરોલિયા, નાયબ વન સંરક્ષક (પૂર્વ) શિવરાજ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.એન. ભંડેરી, સમાજ કલ્યાણ અધિકારી એસ.એમ. પ્રજાપતિ હાજર રહ્યા હતા. 

Panchang

dd