પેરિસ, તા. 5 : પોલેન્ડની 24 વર્ષીય બિનક્રમાંકિત ખેલાડી
માજા ચ્વાલિંસ્કા ફ્રેન્ચ ઓપનના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેની ટક્કર શનિવારે રૂસી ખેલાડી મીરા
એન્ડ્રિવા વિરુદ્ધ થશે. બીજી તરફ જર્મનીના એલેકઝાન્ડર ઝ્વેરવે રોમાંચક મેચમાં ઝેક રિપબ્લિકના
જાકુબ મેન્સિકને 7-5, 6-2, 3-6, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી સેમિફાઇનલમાં મૈરિયો
અર્નાલ્ડીએ સંક્રમણને લીધે મેચમાંથી નામ પાછું ખેંચી લેતાં ઇટાલીનો ફ્લેવિયો કોબોલી
પણ ફાઇનલમાં પહોંચ્યો છે. ગઇકાલે રાત્રે રમાયેલી બીજી સેમિફાઇનલ મેચમાં માજા ચ્વાલિંસ્કાએ
રશિયન ખેલાડી ડાયના શ્નાઇડરને 7-6 અને 6-4થી હાર આપીને પહેલીવાર ગ્રાન્ડસ્લેમ
ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ તે રોલાન્ડ ગેરોસ પર મહિલા સિંગલ્સના
ફાઇનલમાં પહોંચનારી પહેલી ક્વોલિફાયર ખેલાડી બની છે. ચ્વાલિંસ્કા હાલ વિશ્વ ક્રમાંકમાં
114મા સ્થાને છે.