• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

યુએઇ સામે મહાજીતનું ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય

દુબઇ, તા. 9 : ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં બુધવારે યજમાન ટીમ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે ભારતની નજર ઓલરાઉન્ડરોના યોગ્ય સંતુલન સાથે શાનદાર દેખાવ કરીને મહાવિજય પર હશે. જો કે, ભારતીય ઇલેવનમાં ત્રીજા સ્પિનરનો સમાવેશ થશે કે નિયમિત ઝડપી બોલરને તક મળશે એ જોવાનું છે. કોચ ગૌતમ ગંભીરના આગમન બાદથી ટીમ ઇન્ડિયાના તમામ ફોર્મેટમાં ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. યુએઇ સામેની મેચ રવિવારે રમાનારી પાકિસ્તાન વિરુદ્ધની મહત્ત્વપૂર્ણ મેચ પહેલાં અભ્યાસ જેવી હશે. જોકે, સૂર્યકુમાર યાદવની ટીમ નબળી અને બિનઅનુભવી યુએઇ ટીમને હળવાશથી લેવાના મૂડમાં નથી. ભારતીય ટી-20 ટીમમાં શુભમન ગિલના આગમનને લીધે સંજૂ સેમસનનું અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે કારણ કે તેની વિસ્ફોટક બેટિંગ પર જિતેશ શર્માની ફિનિશરની ભૂમિકા મેનેજમેન્ટને વધુ વજનદાર લાગે છે. ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ કરશે. ત્રીજા નંબર પર તિલક વર્મા હશે. જે ટી-20 વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. કપ્તાન સૂર્યકુમાર લગભગ ચોથા નંબર પર હશે. આ પછી ઓલરાઉન્ડરોની ફોજ હશે. જેમાં હાર્દિક પંડયાની ભૂમિકા સૌથી અગત્યની હશે. શિવમ દૂબે, વિકેટકીપર જિતેશ શર્મા અને અક્ષર પટેલ નીચલા મધ્યક્રમમાં ઝડપી બોલિંગ મોરચે જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંઘની પસંદગી નિશ્ચિત છે. બીજા સ્પિનર તરીકે ભારત પાસે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીના રૂપમાં સારા વિકલ્પ છે.  બીજીતરફ બિનઅનુભવી યુએઇ ટીમ પાસે ક્રિકેટની પાવરહાઉસ ભારતીય ટીમ સામે સારો દેખાવ કરવાનો અવસર છે. મુહમ્મદ વસીમ, રાહુલ ચોપરા, સિમરનજીત સિંઘ જેવા અનુભવી ખેલાડી ટીમમાં છે. જેઓ અનુભવી કોચ લાલચંદ રાજપૂતના માર્ગદર્શનમાં છાપ છોડવા ઉત્સુક છે. 

Panchang

dd