• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

નેપાળમાં સત્તાપલટો; સૈન્યએ ધુરા સંભાળી

કાઠમંડુ, તા. 9 : સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નવી પેઢીના પ્રચંડ અને અભૂતપૂર્વ દેખાવો તથા સંસદ ભવન સહિતના દેશના અત્યંત મહત્ત્વના સ્થાનો પર તોડફોડ, આગજની વચ્ચે આજે વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સાથે જ ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, સ્વાસ્થ્ય મંત્રી સહિત પાંચ મંત્રીએ પણ પદ છોડયું હતું અને સરકાર ઊથલી ગઇ હતી તથા આજ રાતથી જ સેનાએ સત્તા સંભાળી લીધી હતી. જો કે, ત્યારબાદ પણ હિંસક પ્રદર્શનો જારી રહ્યા હતા અને વિરોધના સૂત્રધારો પૈકીના એક એવા બાલેન શાહે કહ્યું હતું કે, જ્યાં સુધી સંસદ ભંગ નહીં થાય ત્યાં સુધી કોઇ વાતચીત કરશું નહીં. એક તબક્કે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ પણ ફેલાયા હતા, પણ એ અફવા જ હતી. રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ અશોક રાજ સિગ્દલે લોકોને શાંતિ જાળવવાની અને તમામ પક્ષોને વાતચીતની અપીલ કરી હતી. દેખાવોમાં ગઇકાલથી કમસેકમ 27 જણ માર્યા ગયા હતા અને 350થી વધુ ઘવાયા છે અને પડોશી દેશમાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી સર્જાઇ છે. દેખાવકારોએ સંસદ ઉપરાંત પૌડેલ, ઓલીના નિવાસસ્થાનો અને સુપ્રીમ કોર્ટમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના નિવાસે તોડફોડ કરી આગ ચાંપી હતી જેમાં તેમના પત્ની રાજલક્ષ્મી ખનાલનું મૃત્યુ થયું હતું. ટોળાંએ મહોત્તરી સ્થિત જલેશ્વર જેલની દીવાલ ફગાવી દીધી હતી, જેને લીધે 572 કેદી ફરાર થઇ ગયા હતા. નેપાળના ઘટનાક્રમ પર ભારતની ઝીણવટભરી નજર છે અને હાલ ભારતીય નાગરિકોને નેપાળ નહીં જવાની સલાહ અપાઇ છે. રાજીનામું આપ્યા બાદ ઓલી ફરાર થઇ ગયા હોવાના અહેવાલ છે. દેખાવકાર વિદ્યાર્થીઓએ બાલેનને નવા વડાપ્રધાન બનાવવા માંગ કરી છે. સરકારનો ભ્રષ્ટાચાર અને ગોબાચારી ઢાંકવા ર6 જેટલા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયાના 48 કલાકમાં જ ભારતના પાડોશી દેશ નેપાળમાં જનરેશન-ઝેડ (1997થી ર01ર વચ્ચે જન્મેલા) એ સરકાર ઉથલાવી નાખતાં શ્રીલંકા અને બાંગલાદેશ જેવી સ્થિતિ સર્જાઈ છે. નેપાળમાં હજારો યુવાઓ રસ્તા પર ઊતર્યા છે અને ઠેર ઠેર હિંસા ભભૂકી ઊઠી છે. રાજીનામું આપનાર વડાપ્રધાન ઓલીને સૈન્ય હેલિકોપ્ટરમાં ગુપ્ત સ્થળે લઈ જવાયા હતા. અન્ય મંત્રીઓને પણ સેનાએ સલામત સ્થળે ખસેડયા છે. સરકારથી નારાજ જનતાએ સંસદમાં આગચંપી કરવા સાથે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીના બંગલા ફૂંકી માર્યા હતા એટલું જ નહીં નાણાંમંત્રી વિષ્ણુ પૌડૈલને દોડાવી દોડાવીને માર માર્યો હતો અને પૂર્વ વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને તેમના પત્નીને ઘરમાં ઘૂસીને ફટકાર્યા હતા. દેઉબાની હાલત નાજુક છે. નેપાળી કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય સળગાવાયું હતું. પ્રદર્શનકારીઓ સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા હતા અને કબજો જમાવ્યો હતો. નેપાળની જેલ તોડવામાં આવતાં સેંકડો કેદીઓ ફરાર થઈ ગયા છે. રાજધાની કાઠમંડુમાં સ્થિતિ ગંભીર છે. સુરક્ષા દળો હિંસક વિરોધ પ્રદર્શનોને કાબૂ કરી શક્યા નથી. પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને આગ ચાંપી ત્યારે તેમના પત્ની રાજ્યલક્ષ્મી ઘરમાં હતા જેઓ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોના હથિયારોની લૂંટ ચલાવી છે અને તે લઈને રસ્તા ઉપર ઊતર્યા હતા. સોશિયલ મીડિયા પર હિંસાની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. 

Panchang

dd