મુંદરા તાલુકાના અનેક ગામોના કિસાનોની જીવાદોરી સમાન પત્રીનો
ખેંગારસાગર ડેમ સોમવારે ઓગની ગયો અને તેનો ધસમસતો પ્રવાહ મુંદરાની કેવડી નદી કાંઠે પહોંચી જશે, તેવી સંભાવનાઓ ઊભી થઈ હતી. કંઠી પટમાં ઓછો વરસાદ
થયો છે, પણ ઉપરવાસના
વરસાદને પગલે ખેંગારસાગરના છલકાતાં નીર વહેશે તેવી રાહ જોઈ રહેલા નગરજનો આ લખાય છે,
ત્યારે મંગળવાર સાંજ સુધી નિરાશ થયા હતા. ડેમ ઓગનતાં એક તબક્કે મુંદરામાં
વિવિધ તંત્રોએ નદીપટ પર રહેતા લોકો, ધંધાર્થીઓને હટાવ્યા પણ હતા.
એ તો ભલે પૂરેપૂરા હટયા નથી અને કેટલાક સવારે જ પાછા આવી ગયા, પણ નદીનો જે પ્રવાહ આવવો જોઈએ એ મોડી સાંજે લગભગ 25 કલાક પછી પણ મુંદરાના હજુ કાંઠે
જ દેખાયો હતો. મુંદરાના કેટલાક વરિષ્ઠ જાણકારોએ આ વિશે કહ્યું કે, આ બધું
રેતી-ખનિજચોરોના પ્રતાપે છે. સરકારને
રોયલ્ટી મળે કે નહીં, પણ ખાડા એટલા મોટા અને ઊંડા કર્યા છે કે, વર્ષો પહેલાં જે ચાર કલાકે 18 કિમીનો પથ કાપી પાણી
પહોંચતું. હવે એક દિવસ નીકળી ગયા પછીયે નથી પહોંચતું. ઉપરાંત પ્રિ-મોન્સૂનના નામે પણ
લોટ પાણી ને લાકડાં જેવું કામ થાય છે. નદીમાં બાવળોના ઝૂંડો ભર્યાં છે. ખનિજમાફિયાઓએ
નદીને ખોતરી નાખી છે. તસવીરમાં શક્તિનગર નજીક ખાડાઓમાં પહોંચી ભરાતાં પાણી અને ઈન્સેટમાં
શક્તિનગર નજીક પાઈપ પુલમાં કચરાના અવરોધો. (તસવીર : પરેશ રાઠોડ)