ભુજ, તા. 9 : કચ્છમાં ગત રવિવાર સાંજથી થયેલા
અનરાધાર વરસાદનાં કારણે અનેક રસ્તા પ્રભાવિત થયા હતા. 24 કલાકથી વધારે પાણી વરસવાનું
ચાલુ રહેતાં મારગ ઉપરથી જોશભેર વરસાદી પાણી નીકળતાં કચ્છની નાની-મોટી 20થી વધુ મહત્ત્વની સડકો બંધ થઇ હતી જેને
પૂર્વવત્ કરવા આજે ઉગાડ નીકળતાં ટીમો કામે લાગી હતી. રાજ્ય માર્ગ અને મકાન વિભાગના
કાર્યપાલક ઇજનેર કલ્પેશ નાઇનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત સુધીમાં કચ્છના રાજ્ય બાંધકામ હસ્તકના
11 રોડ બંધ થયા હતા. પાણી રસ્તા
ઉપરથી જોશભેર વહેતાં નુકસાની થવાને કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો. ક્યાંક માટીનું
ધોવાણ પણ થઇ ગયું હતું. ગઇકાલે સાંજે પ્રાગપર-કીડિયાનગર, કુકમા-ચકાર - ચંદિયા, તેરા-ભાચુંડા-રવા, દયાપર-પાનેલી, રાપર-ફતેહગઢ- આડેસર, ત્રંબૌ-જેસડા-રવ, ભચાઉ-રામવાવ-રાપર, વામકા-લાખાવટ-કરમરિયા, સાતપર-અજાપર-મોડવદર, રવાપર-નેત્રા-તેરા, રામવાવ-ખેંગારપર, કોટડા (જ.)-બિટ્ટા સહિતના રસ્તા કાલે
બંધ થયા હતા. આજે સવારથી યુદ્ધનાં ધોરણે પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરાતાં છ રસ્તા
ચાલુ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં જરૂરત હતી ત્યાં મશીનરી લગાડી માટી કે મેટલ નાખીને
કામચલાઉ ધોરણે રસ્તો વાહનોને યોગ્ય બને એ રીતે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું શ્રી
નાઇએ જણાવ્યું હતું. બીજીબાજુ પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓને પણ મોટી નુકસાની થઇ
છે. ગામડાંઓને જોડતા નદી ઉપરના કોઝ-વેનું ધોવાણ થયું, તો ક્યાંક
ચાલુ કામના ડાયવર્ઝન પણ આખેઆખા આ વરસાદી પાણી લઇ ગયું હોવાના હેવાલ મળ્યા છે. જિલ્લા
પંચાયત હસ્તકના રસ્તા અંગે કાર્યપાલક ઇજનેર શ્રી ટોપીવાલાએ માહિતી આપી કે બે ભચાઉ,
બે રાપર તાલુકાના, એક ગોણિયાસરવાંઢ, એક કિડાણાનો રસ્તો પાણી ઉપરથી વહેણ હોવાથી બંધ થયા છે. પાણીનો પ્રવાહ ઓછો થતાં
તુરંત કામ હાથ ધરાશે અને જ્યાં જ્યાં વાહનવ્યવહાર બંધ થયો છે એ રસ્તાઓનો સંપર્ક જોડી
વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં હાલતુરંત રિપેર કરી દેવામાં આવશે. બાકી, નુકસાની કેટલી છે એ બાબતે તુરંત સર્વે કરવામાં આવશે પછી તટસ્થ અંદાજ આવશે એમ
અધિકારીઓએ જણાવ્યું હતું.