રાપર, તા. 9 : વાગડમાં ભારે વરસાદનાં પગલે
વ્યાપક ખાના ખરાબી સર્જાય છે. 17 ઈંચથી વધુ
વરસાદ પડયો છે, ચોતરફ જળબંબાકાર થઈ ગયો
હતો, નદીઓ-નાળાંઓ ઉફાન ઉપર હતા, ડેમો અને
તળાવો છલકાઈ ગયા છે, મેવાસાનો ડેમ તૂટી જતાં ગાગોદરના માલધારીની
31 ભેંસ તણાઈ ગઈ હતી. જેનો હજુ
સુધી કોઈ પત્તો નથી, તો બીજીતરફ
સોનલાવા સરાણમાં ત્રણ દિવસથી ફસાયેલા 36 ઊંટને ગ્રામજનોએ બચાવ્યા હતા. એક બાજુ પશુધનને બચાવવામાં આવ્યું
છે, તો બીજી બાજુ પશુધન તણાયું છે. વ્યાપક નુકસાની
બાદ ધીમે ધીમે બધું સામે આવી રહ્યું છે. સોનલવા
પાસે સરાણમાં માલધારીના નાના મોટા 36 ઊંટ હતા. રાત્રિના સમયે આ ઊંટ દૂર સુધી જાય નહીં તે માટે બંને
પગ બાંધી દેવામાં આવે છે જેથી ઊંટ આસપાસમાં જ રહે છે. રાત્રિના અચાનક પાણી આવી જતા
ઊંટ ફસાયા હતા. 72 કલાકથી વધુ
સમય આ તમામ ઊંટ 20 ફૂટ પાણીમાં
અંદર ફસાયેલા હતા. માલધારીએ ગામના સરપંચ વેલજીભાઈનો સંપર્ક સાધ્યો હતો, જેના પગલે આ તમામ ઊંટને બચાવવા માટે સરપંચ સાથે
અમારાભાઈ માદેવાભાઈ રાજપૂત, ભીખાભાઈ હીરાભાઈ કોલી, દિનેશભાઈ રતનશીભાઈ સુથાર, મગન અરજણ રબારી તેમજ રાજપૂતવાસ
યુવા ગ્રુપ તેમજ ગામના 50થી 60 લોકોએ બચાવ અભિયાન શરૂ કરીને
લગભગ ચાર કલાકની મહેનત પછી તમામ ઊંટને સુરક્ષિત પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સતત ત્રણ દિવસ આ ઊંટ પાણીમાં રહ્યા હતા, ત્યારે પછી તેને બચાવવા માટેની ગ્રામજનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.
અનરાધાર વરસાદનાં પગલે જળ હોનારતની સ્થિતિ સર્જાઈ હતી. મેવાસાનો ડેમ તૂટી જતા ગાગોદરના
પશુપાલકની 31 ભેંસ પાણીમાં
તણાઈ ગઈ છે. જેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. વ્યાપક વરસાદ અને ડેમ તૂટી જવાથી સોમવારે
નદીમાં 15થી 20 ફૂટ પાણી હતું. હજુ પણ પૂર ઓસર્યું નથી. નદીના વ્યાપક પાણી ચાર
ફૂટે વહે છે. પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં સોથ વળી ગયો છે, પાણી છેક જોધપુરનાં રણ સુધી પહોંચ્યું છે. - હનુમાન બેટમાં
ફસાયેલી ત્રણ વ્યક્તિને બે દિવસે બચાવ્યા : રાપર : વાગડમાં ભારે વરસાદને પગલે એકલ બાંભણકા માર્ગ ઉપર આવેલા
હનુમાન બેટ પાસે પૂજારી સહિત ત્રણ જણ ફસાઈ ગયા હતા. તેમની પાસે જમવાનું પણ ખતમ થઈ ગયું
હતું. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાને જાણ થતા તેમની સૂચનાથી બાંભણકાના યુવાનોએ દોરડા વડે કામગીરી કરી બે દિવસ
બાદ ત્રણ જણને સલામત રીતે બચાવ્યા હતા. ફતેગઢમાં પણ મંદિરના પૂજારીને ત્રણેક કલાકની
કામગીરી બાદ સલામત રીતે બચાવાયા હતા.