• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

સી.પી. રાધાકૃષ્ણન નવા ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી, તા.9 : ઉપરાષ્ટ્રપતિ પદની આજે યોજાયેલી ચૂંટણીમાં શાસક મોરચો એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને અપેક્ષાકૃત આસાન વિજય મેળવી લીધો છે અને તેઓ ભારતના 1પમા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. રાધાકૃષ્ણનને 452 મત, જ્યારે વિરોધ પક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતાં. એટલે કે એનડીએનાં ઉમેદવારને બે તૃત્યાંશ બહુમતી મળી છે. જેમાં ભાજપ તરફથી દાવો પણ કરવામાં આવ્યો છે કે, 14 સાંસદો તરફથી ક્રોસ વોટિંગ થયું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા હતા.આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મત આપ્યો હતો. જેમાંથી 15 મત અમાન્ય રહ્યાં હતાં. આ ચૂંટણીમાં કુલ 782 સાંસદોને મતદાનનો અધિકાર હતો. આજનાં મતદાનનાં આંકડા બહાર આવ્યા બાદ રોચક અને રસપ્રદ જાણકારી એ બહાર આવી છે કે, 15 મત અમાન્ય થયા બાદ પણ એનડીએને વિપક્ષી દળોમાંથી 14 મત મેળવવામાં સફળતા મળી છે. એનડીએની કુલ સંખ્યા 427 મતની હતી અને તેમાં વાયએસઆર કોંગ્રેસનાં 11 સાંસદો સહિત તે 438 થયા હતાં. ઉપરાંત તેને 14 વધારાનાં મત ક્રોસ વોટિંગથી પણ મળ્યા છે. બીજી તરફ, સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા, જેમાં વિપક્ષની એકજૂટતા હોવા છતાં સંખ્યા ઓછી પડી હતી. રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ પરિણામોની જાહેરાત કરી હતી. ચૂંટણી વિજય બાદ સુદર્શન રેડ્ડીએ કહ્યું હતું કે, તેમણે સાંસદોને અંતરાત્મા પ્રમાણે મત આપવાની અપીલ કરી હતી, જેનાથી અમુક મત એનડીએ તરફ વળ્યા હોઈ શકે છે.  ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડનાં રાજીનામા બાદ આજે યોજાયેલી આ ખાલી પડેલા પદ માટેની ચૂંટણીમાં સવારે 10થી સાંજે પ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.  સંસદના વસુંધરા ભવન ખાતે યોજાયેલા મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથાસિંહ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોએ ભાગ લીધો હતો. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના 4 રાજ્યસભા સાંસદ, બીજુ જનતા દળ (બીજેડી)ના 7 રાજ્યસભા સાંસદ અને શિરોમણી અકાલી દળના 1 લોકસભા તથા 2 રાજ્યસભા સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ ચૂંટણીમાં 15 મત અમાન્ય જાહેર થયા, જે કુલ મતોના લગભગ 2% જેટલા છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં સાંસદોને યોગ્ય રીતે મતદાન કરવાની તાલીમ આપવી જોઈએ જેથી આવી ભૂલો ન થાય. 

Panchang

dd