ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક
ચાલતાં ટેન્કરમાંથી અચાનક ગેસ લીક થતાં ભારે દોડધામ થઈ પડી હતી. અગ્નિશમન દળએ આ પરિસ્થિતિ
ઉપર કાબૂ મેળવતાં સૌ કોઈને હાશકારો થયો હતો. કંડલાથી નીકળેલાં ટેન્કરમાં આજે બપોરના
અરસામાં ગેસ લીક થયો હતો. સામખિયાળીના ટોલનાકા આગળ આ ટેન્કર પહોંચ્યું હતું. દરમ્યાન
તેમાંથી ગેસ લીક થવાનો બનાવ બન્યો હતો. ચાલકે આ અંગે ઉપર જાણ કરી હતી. ઉત્તરપ્રદેશ
બાજુ જઈ રહેલાં આ ટેન્કરમાં ગેસ લીક થઈ રહ્યો હતો. બીજી બાજુ અન્ય વાહનો તેની પાસેથી
પસાર થઈ રહ્યાં હતાં તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભચાઉના અગ્નિશમન દળને
અહીં બોલાવાયું હતું. દરમ્યાન આ વાહનને એક બાજુ કરી પાછળથી આવતાં વાહનોને રોકી દેવામાં
આવ્યા હતા. જેના કારણે આ માર્ગ પર ફરીથી ટ્રાફિકજામ સર્જાયો હતો. અગ્નિશમન દળના જવાનોએ
સતર્કતા બતાવી ગેસ લીક થતાં બંધ કરાવ્યો હતો અને પ્રેશરને ઓછાં દબાણ ઉપર લઈ આવવામાં
આવ્યું હતું તેમજ થોડા ગેસને વહાવી દેવામાં આવ્યો હતો. આ ગેસ લીકના બનાવને કારણે આસપાસના
લોકોના તથા વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા. આ બનાવ અંગે સ્થાનિક સામખિયાળી પોલીસને
જાણ ન કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અગાઉ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહનોમાં
આગ લાગવી, પેટ્રોલિયમ પદાર્થ લીક થવાના બનાવો બની ચૂક્યા
છે.