નવી દિલ્હી, તા. 9 : ટ્રમ્પના
ટેરિફ યુદ્ધથી વૈશ્વિક વ્યાપાર ખોરવવાથી અર્થતંત્ર ધીમું પડી શકે તેવી સંભાવના, ફેડ
દ્વારા વ્યાજદર કાપની પૂરેપૂરી પ્રબળતાએ સોનામાં સતત ખરીદીએ આ કિંમતી ધાતુ રોજ નવા
રેકોર્ડ સર કરી રહી છે, જેમાં કચ્છમાં આજે 1400નો ઉછાળો થયો હતો, તો ચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી. બીજી તરફ
નવી દિલ્હીમાં તો સુવર્ણએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને અહીં તે રૂા. 5080ના તીવ્ર ઉછાળા સાથે પ્રતિ
10 ગ્રામ રૂા. 1,12,750ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી
ગયું છે. ચાંદીની કિંમત કિલોએ રૂા. 2800નો વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું આજે પ્રતિ ઔંસ 3659.27 ડોલર પર પહોંચી ગયું છે. ટ્રમ્પના
ટેરિફ અંગે સર્જાયેલી અનિશ્ચિતતા થકી વૈશ્વિક વ્યાપારને માઠી અસર પડી રહી છે, તો વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા ડોલરના બદલે
સોનામાં સતત રોકાણ વધી રહ્યું હોવાથી આ ચળકતી ધાતુના ભાવો સતત નવા સ્તર આંબી રહ્યા
છે. આજે સ્થાનિક બુલિયન બજારમાં 10 ગ્રામ સોનું 999ના ભાવોમા રૂા. 1400નો ઉછાળો થઈ 1,13,000 રહ્યા હતા, તો ચાંદી
ચોરસા એક કિલોમાં સ્થિરતા સાથે રૂા. 1,26,100ના ભાવ રહ્યા હતા.