ગાંધીધામ, તા. 9 : ભચાઉની હોટેલમાં જંતુનાશક દવા
પી લઇ જીવન ટુંકાવનારા મોરબીના યુવાનના આપઘાત પ્રકરણમાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે
ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉ નજીક આવેલી આશાપુરા હોટેલના રૂમ નંબર 201માંથી મોરબી મૂળ વાયોર અબડાસાના
કિશોરસિંહ સોઢાની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવાને ઘરેથી નોકરીની વાત
ચાલુમાં છે, હું ગાંધીધામ જાઉં છું
તેમ કહી નીકળી ગયો હતો. બાદમાં તેણે પોતાના પિતાને તમારી દવા માટે ખાતામાં રૂા. 2000 નાખ્યા છે તેવી વાત કરી હતી, પછી પોતાની પત્નીને ઇ.ટી. કંપની ખાતે ગાડી ખાલી
કરવા જાઉં છું અને ગાડી ગાંધીધામ રાખીને સૂઇ જવાનું કહ્યું હતું. પાછળથી આ યુવાનનો
ફોન બંધ થઇ ગયો હતો. બાદમાં તા. 6/9ના આશાપુરા હોટેલમાંથી તેની લાશ મળી આવી હતી. આ યુવાને આપઘાત
કરતાં પહેલાં નોટબુકમાં લખાણ લખ્યું હતું. મારું મરવાનું કારણ એ ભાઇ છે જેનું નામ ખબર
નથી, એ ઓફિસ પટેલ કન્સલ્ટન્સી, ઝંડા સર્કલ, શક્તિ મેડિકલ ઉપર, મોરબી. લોનના પૈસા બાકી છે, ધંધામાં ખોટ, ઘણું નુકસાન, મારાથી હપ્તા ન ભરાતાં સમય માગ્યો,
શખ્સ ખોટા કેસમાં ફસાવવાનું કહે છે. બે વર્ષ જૂના ચેકનો ફોટો મોકલી બાઉન્સનો
કેસ કરવાની ધમકી આપે છે. આ બધું સહન નહીં થાય. હું સાચો છું. બે મહિનાથી મને હેરાન
કરે છે. મેસેજના ક્રીનશોટ પાડેલ છે. જોઇ લેજો, મને ફસાવી દીધો
છે જે કારણે આજે મારે મરવું પડે છે વગેરે લખાણ હતું. આ બુક પોલીસે કબજે લઇ આ યુવાનને
મરવા મજબૂર કરનારા શખ્સ સામે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.