• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

મીંયડા વઠા ત ભલા... પચ્છમમાં ક્યાંક ખુશી-ક્યાંક ગમ

મુસા સુમરા દ્વારા : સુમરાપોર, તા. 9 : ભુજ તાલુકાના સરહદી મુલકમાં અનરાધાર વરસાદ બાદ હવે નુકસાનના વાવડ આવી રહ્યા છે. નાના-મોટાં તળાવો, મધ્યમ સિંચાઈના ચેકડેમો માટે છલકાઈ જતાં પાણીની પીડા ઘટશે, પણ નાના ઝીણા પશુઓ ઘેટાં-બકરા ઠંડીના ઠારમાં તેમજ ક્યાંક કાચા ઝુંપડાઓ પડી ગયાંના સમાચાર છે તેમજ રોડ-રસ્તાઓના મોટા પાયે ધોવાણ થતાં સંપૂર્ણ તૂટી ગયા છે. ખેતીનું ધોવાણ : પચ્છમમાં રામમોલ એરંડા, ગુવાર, તલનું ખાસ વાવેતર છે, પણ નાના-મોટા તળાવોનાં પાણી ઓવરફ્લો થતાં ક્યાંક નદી, વોકડાઓના વહેણ ફંટાતા જેથી ઊભેલાં ખેતરોમાં પાણીનાં વહેણ વળતા ખેતીના પાકનું ધોવાણ થયું છે, તો ક્યાંક ખેતરોમાં સતત વરસાદથી મોટા પાયે પાણીનો ભરાવો થતાં રામમોલ ડુંબના કારણે સડી જવાની ભીતિ આ વર્ગને સતાવી રહી છે, પણ વરસાદથી લોકો રાજી છે. `મીયડા ત વઠા ભલા' ના ઉદ્ગાર નિકળે છે. માર્ગોનું ધોવાણ :  પચ્છમના ગ્રામ્ય પંથકને નાના-મોટા અનેક માર્ગોનું ધોવાણ થયું છે. ખાવડા અધા રોડ, કુરન, કોટડા, સુમરાપોર, ધ્રોબાણા રોડ, નાના દિનારા રોડ, ખાવડા જામકુનરિયા, ઝુણા રોડ વગેરે સિંગલ પટ્ટીના આંતરિક માર્ગોનું ધોવાણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ ઝીણા ઘેટાં-બકરાના માલધારીઓની સંખ્યા મોટી માત્રામાં છે. 24  કલાક સતત વરસતા વરસાદના કારણે ક્યાંય ચરિયાણ નહીં મળતા-ભુખમરાથી દુબળાં પશુઓ તેમજ ઘેટાં-બકરાના નાના બચ્ચાંના ઠારના કારણે મરણ કાળા ડુંગરમાં થયાના સમાચાર મળી રહ્યા છે. ક્યાંક નાના પશુઓ નદીઓમાં તણાઈ ગયાના પણ સમાચાર પશુપાલકોને આવ્યા હતા. કુરનવાસીઓ ખુશ : અંદાજે પોણા નવ કરોડના ખર્ચે તૈયાર થયેલા ચેકડેમ પ્રથમ વરસાદમાંજ પાણીથી ભરાતા અને ઓગનવાની તૈયારીમાં જ જેથી આ ગામને વર્ષોની પાણીની પીડાથી છુટકારો મળશે એવી કુરનવાસીઓ આશા સેવી રહ્યા છે. આમ ચેકડેમ છલકાતા કુરન તેમજ આજુબાજુનાં ગામના લોકો નિહાળવા મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. વરસાદની સંભાવના હોવા છતાં રેડ એલર્ટના સતત આદેશ હતા, પણ નેટવર્કના સતાધીશો આમા બેદરકાર કે ઉંઘતા ઝડપાયા છે. આવા કટોકટીના સમયે સરકારની સૂચના અને આદેશનું પાલન કરવું તેમજ પરિવારજનોના એકબીજાના સુખ, દુ:ખમાં સહભાગી બની સંપર્કમાં રહેવું, ઈમરજન્સીમાં એક બીજાને મદદરૂપ બનવું આવા સમયે ખૂબ જ જરૂરી હોય છે, પણ પચ્છમના ગ્રામ્ય પટ્ટામાં બી.એસ.એન.એલ., જિઓ, એરટેલ વગેરે નેટવર્કના ખરા સમયે નખરાના કારણે ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો. લાઈટ તો વેરણ ન બને એવું તો બને જ નહીં, પણ વરસાદમાં લાઈટ ન જાય એ તો ઈતિહાસમાં ક્યારે બન્યું પણ નથી, પણ આવા રેડ એલર્ટની વચ્ચે એક નેટવર્ક અને બીજી લાઈટના વેરણની આદત ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી હતી. મળેલી માહિતી પ્રમાણે પૂર્વ નાની બન્ની, વાઘુરા, દેઢિયા, નાની મોટી દદ્ધર સહિતનાં ગામોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોટી દદ્ધરના સુમરા સાઉ સુલેમાને જણાવ્યું હતું. શ્રમિકો પરેશાન : અદાણી સોલાર પ્લાન્ટ પાર્ક સહિત રણપટ્ટામાં ખૂબ પુષ્કળ પાણી ભરાતા પ્રાંતીય મજૂરો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યાં મજૂરોને રહેવાની કોલોની વગેરે રહેઠાણની જગ્યાઓ પણ અંદર રણનું પાણી ઘૂસી જતાં સરસામાન પલળી ગયા હતા, તેમાં સતત પાણીની વચ્ચે મજૂરો ફસાયેલા રહેવાના સમાચાર મળ્યા હતા. 

Panchang

dd